ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ગેરકાયદેસર: યુએસ અપીલ કોર્ટ

File Photo
File Photo
કોર્ટના નિર્ણયને ટ્રમ્પની વેપાર નીતિ પર મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે, જોકે ટેરિફને મધ્ય ઑક્ટોબર સુધી યથાવત રાખવાનો સમય આપવામાં આવ્યો છે.
ટ્રમ્પે કોર્ટના નિર્ણયને ખોટો ગણાવીને દાવો કર્યો કે ટેરિફ યથાવત છે અને તે અમેરિકા માટે આવશ્યક છે.
સાત સામે ચારના બહુમતીથી આપેલા આ નિર્ણયમાં કોર્ટે નીચલી અદાલતના નિષ્કર્ષને સમર્થન આપ્યું હતું કે ટ્રમ્પે પોતાના અધિકારોનો ભંગ કર્યો હતો. ચુકાદામાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિને કાયદા મુજબ જાહેર કરાયેલી રાષ્ટ્રીય કટોકટીના સંજોગોમાં અનેક પગલાં લેવાની સત્તા છે, પરંતુ તેમાં ટેરિફ કે ડ્યુટી વસૂલવાનો અધિકાર શામેલ નથી.
જો કે, કોર્ટે ટેરિફને મધ્ય ઑક્ટોબર સુધી યથાવત રાખવાનો સમય આપ્યો છે જેથી ટ્રમ્પ વહીવટીતંત્ર તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે. વિશ્લેષકો આ ચુકાદાને ટ્રમ્પની વેપાર નીતિ પર સીધો આઘાત ગણાવી રહ્યા છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની સંભાવના છે.
ચુકાદા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે અદાલતના નિર્ણયને ખોટો ગણાવ્યો અને દાવો કર્યો કે ટેરિફ હજુ પણ અમલમાં છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “બધા ટેરિફ યથાવત છે. એક પક્ષપાતી અપીલ કોર્ટે ભૂલથી કહ્યું છે કે અમારા ટેરિફ દૂર થવા જોઈએ, પરંતુ અંતે અમેરિકા જીતશે.”
ટ્રમ્પે વધુમાં દલીલ કરી હતી કે જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો તે દેશ માટે વિનાશક સાબિત થશે. તેમણે જણાવ્યું કે આર્થિક રીતે અમેરિકા નબળું પડી જશે અને તેવા સંજોગોમાં મજબૂત રહેવું જરૂરી છે. ટ્રમ્પે આગ્રહ કર્યો કે ટેરિફ એ વેપાર ખાધ અને વિદેશી વેપાર અવરોધોનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમના કહેવા મુજબ અમેરિકા હવે અન્યાયી ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને વધુ સહન નહીં કરે, કારણ કે તે અમેરિકન ઉત્પાદકો, ખેડૂતો અને અન્ય વર્ગોને નબળા પાડે છે.
અમેરિકાની અપીલ કોર્ટના ચુકાદા બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે તેને પડકારવાનો વિકલ્પ ખુલ્લો છે. કાનૂની પ્રક્રિયા મુજબ ટ્રમ્પ અથવા તેમના વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટમાં ‘વ્રિટ ઓફ સર્ટિયોરારી’ માટે અરજી કરી શકે છે. આ અરજી દ્વારા અપીલ કોર્ટના ચુકાદાની સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવે છે.
જો કે, સુપ્રીમ કોર્ટ દરેક કેસ સાંભળે જ એ જરૂરી નથી. તે માત્ર તેવા કેસોને સ્વીકાર કરે છે, જેમા રાષ્ટ્રીય સ્તરે કાયદાકીય કે બંધારણીય મહત્વના પ્રશ્નો ઉઠે છે. ટ્રમ્પના ટેરિફ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટ જો કેસ સ્વીકારશે, તો અંતિમ નિર્ણય ત્યાંથી જ આવશે.
આથી, અપીલ કોર્ટનો આદેશ હાલ માટે ટ્રમ્પની વેપાર નીતિ પર મોટો ઝટકો છે, પરંતુ અંતિમ લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં થવાની સંભાવના છે.