સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસને પ્રદાન કરતું કલ્પવૃક્ષ એટલે ‘યોગ’

File Photo
‘યોગ’-‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર, યાદશક્તિ વધે અને એકાગ્રતાનો વિકાસ થાય
આપણો દેશ આગામી વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ ગૌરવશાળી પ્રસંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વિકસિત ભારત@૨૦૪૭”નું એક ભવ્ય વિઝન નિર્ધારિત કર્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દરવર્ષે તા. ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જેના પરિણામે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં ‘યોગ’ ને અપનાવવામાં આવ્યો છે. ‘યોગ’ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ એક સર્વાંગી જીવનપદ્ધતિ છે. વ્યક્તિગત સ્વાસ્થ્યથી લઈને રાષ્ટ્રીય અર્થતંત્ર સુધી અને સમાજમાં શાંતિથી લઈને વિશ્વમાં આધ્યાત્મિક નેતૃત્વ સુધી ‘યોગ’ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ‘યોગ’ એ એક કલ્પવૃક્ષ છે, જે આપણને સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ – બધું જ પ્રદાન કરે છે.
આરોગ્યમાં ક્રાંતિ –આજે આપણા દેશના નાગરિકોની તંદુરસ્તી અર્થે આરોગ્ય વિભાગ દ્વારા નોંધપાત્ર રકમ ફાળવવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર જેવી જીવનરશૈલી સંબંધિત બિમારીઓ પર કરોડોનો ખર્ચ થાય છે. આ રોગોનું મૂળ કારણ અસંતુલિત જીવનશૈલી, અનિયમિત આહારપદ્ધત્તિ અને સતત વધતો તણાવ છે.
જો દેશનો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ‘યોગ’ને અપનાવે તો આ રોગોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. નિયમિત ‘યોગ’ કરવાથી શરીર મજબૂત બનશે, મન શાંત રહેશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેના પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટશે, દવાઓ પરનો ખર્ચ ઓછો થશે અને સરકારનું આરોગ્ય બજેટ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે
શિક્ષણમાં ગુણવત્તા –વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજના યુગમાં સોશિયલ મીડિયા, મોબાઈલની લત અને સ્પર્ધાત્મક દબાણને કારણે એકાગ્રતા ઘટી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાઈ રહ્યા છે. ‘યોગ’ અને ‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર બને છે, યાદશક્તિ વધે છે અને એકાગ્રતાનો વિકાસ થાય છે. આમ, શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા બંને ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકશે તેમજ વધારે પ્રમાણમાં સંશોધન, નવું જ્ઞાન તથા નવી શોધો થશે. જે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે.
ઉત્પાદન અને અર્થતંત્રમાં વધારો –ઉદ્યોગો અને કારખાનાઓની સાચી તાકાત તેમના કામદારોમાં છે. જો કર્મચારી તંદુરસ્ત હશે તો ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધી જશે. ‘યોગ’ કર્મચારીઓને શારીરિક રીતે સુદૃઢ બનાવે છે અને માનસિક સ્થિરતા આપે છે. નિયમિત ‘યોગ’ કરનાર કર્મચારી ઓછા બીમાર પડે છે, જેથી આરોગ્ય રજામાં ઘટાડો થાય છે. તદુપરાંત કાર્યસ્થળ પર શિસ્ત, ઉત્સાહ અને ટીમ વર્ક વધે છે. જેના પરિણામે ઉદ્યોગોમાં ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય છે તથા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે.
સમાજમાં સુખ-શાંતિ- આજે સમાજમાં વધી રહેલી હિંસા, અપરાધ અને તણાવનું મૂળ કારણ મનનું અસંતુલન છે. ‘યોગ’ મનને શાંતિ આપે છે, વિચારશક્તિને સ્પષ્ટ કરે છે તેમજ વ્યક્તિને ધૈર્યવાન બનાવે છે. જો યુવાનો ‘યોગ’ને જીવનમાં અપનાવે, તો તેઓ નશાખોરી, ગુનાઓ અને હતાશાથી દૂર રહી શકે છે. ‘યોગ’ વ્યક્તિને પ્રતિક્રિયા આપવાને બદલે સમજદારીપૂર્વક જવાબ આપવાનું શીખવે છે, જેથી કુટુંબમાં સુખ-શાંતિ વધે છે અને સમાજમાં એકતા મજબૂત બને છે. ‘યોગ’ માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવવાનો પણ શ્રેષ્ઠ માર્ગ છે.
આધ્યાત્મિક ઉન્નતિ –ભારત હંમેશા વિશ્વને આધ્યાત્મિકતા આપનાર દેશ રહ્યો છે. આજના સમયમાં જ્યારે વિશ્વ તણાવ, યુદ્ધ, પર્યાવરણ સંકટ અને અસંતોષનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે વિશ્વને સાચો માર્ગ બતાવવાની તક છે. ‘યોગ’ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આંતરિક શાંતિ, પ્રેમ અને કરુણા જાગૃત થાય છે. જો ભારતના કરોડો નાગરિકો ‘યોગ’થી પ્રેરિત થશે, તો ભારત “વિશ્વગુરુ” તરીકે ઉભરી આવશે અને સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર દેશ બનશે.
આવો, આપણે સૌ સાથે મળીને ‘યોગ’ને જીવનશૈલી બનાવીએ, આરોગ્યને તંદુરસ્ત બનાવીએ, શિક્ષણ અને અર્થતંત્રને આગળ ધપાવીએ તેમજ સમાજમાં સુખ-શાંતિ સ્થાપીને ભારતને વિશ્વનો સાચો માર્ગદર્શક બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સર્વે નાગરિકોને આહ્વાન કર્યું છે. -જીગર બારોટ