સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ: PM મોદીએ ચીનથી કરી મન કી બાત

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમહિનાના અંતિમ રવિવારે રજૂ કરતાં પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફતને દેશને આ વખતે છેક ચીનમાંથી સંબોધ્યો છે. મન કી બાતના ૧૨૫મા એપિસોડમાં તેમણે લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં દેશવાસીઓને ગર્વથી સ્વદેશી કહેવા અપીલ કરી હતી. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કુદરતી આફતનો ઉલ્લેખ કરતાં થયેલા નુકસાનની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં સિવિલ સર્વિસિઝની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે શરૂ કરેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ તેમાં વધુને વધુ લોકોને જોડાવા અપીલ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશના અનેક યુવાનો સિવિલ સર્વિસિઝની તૈયારીઓ કરે છે. જેમાં હજારો ઉમેદવારો એવા હોય છે, જે લાયકાત ધરાવતા હોય છે. તેઓ અથાગ મહેનત પણ કરે છે, પરંતુ નજીવા માર્ક્સના કારણે અંતિમ યાદી સુધી પહોંચી શકતા નથી.
આ ઉમેદવારોએ ફરી પરીક્ષા આપવા નવેસરથી એકડો ઘૂંટવો પડે છે. જેમાં તેમનો સમય અને પૈસા બંને ખર્ચ થાય છે. આથી આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ-ઉમેદવારો માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે. જેનું નામ છે પ્રતિભા સેતુ. આ પ્રતિભા સેતુ પોર્ટલ પરથી ખાનગી કંપનીઓ આ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની વિગતો મેળવી તેમની ભરતી કરી શકે છે.
આ પ્રયાસના પરીણામો પણ આવી રહ્યા છે. ઘણા ઉમેદવારોને પોર્ટલની મદદથી તુરંત નોકરી મળી છે. પ્રતિભા સેતુ પોર્ટલ એવા ઉમેદવારોનો ડેટા પોતાની પાસે રાખે છે. જેમણે યુપીએસસીના જુદા-જુદા લેવલની તમામ પરીક્ષા પાસ કરી હોય પરંતુ ફાઈનલ મેરિટ લીસ્ટમાં નામ આવ્યુ ન હોય. આ પોર્ટલ પર દસ હજારથી વધુ પ્રતિભાશાળી યુવાનોની ડેટા બેન્ક છે.
જેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુકો વિદ્યાર્થીઓ સામેલ છે. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં અંતે કહ્યું હતું કે, આગામી દિવસોમાં તહેવારોની વણઝાર શરૂ થશે. આ તહેવારોમાં તમારે સ્વદેશીની વાત ક્્યારેય ભૂલવી જોઈએ નહીં. ગિફ્ટ, કપડાં, સજાવટ સહિત તમામ ચીજવસ્તુઓ ભારતીય હોવી જોઈએ, સ્વદેશી હોવી જોઈએ.