PM મોદીએ ક્રિકેટથી નિવૃત્તિ લેનારા ચેતેશ્વર પુજારાને પત્ર લખી શું જણાવ્યું?

પૂજારાએ પત્ર શેર કરીને લખ્યું છે કે, મને મારી નિવૃત્તિ પર માનનીય વડાપ્રધાન તરફથી પ્રશંસા પત્ર મળ્યો છે
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ક્રિકેટના દરેક ફોરમેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. પુજારાએ ઘણા વર્ષો સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં મહત્ત્વના મેમ્બર રહ્યા છે અને તેમણે ટીમની સફળતા અપાવવામાં મોટી ભૂમિકા નીભાવી છે. પુજારાએ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ટીમની બેક ટુ બેક સીરિઝમાં જીતના હીરો રહ્યો હતો.
ચેતેશ્વર પૂજારાને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પૂજારાએ પીએમ મોદી દ્વારા મળેલો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પૂજારાએ આ પત્ર શેર કરીને લખ્યું છે કે, મને મારી નિવૃત્તિ પર માનનીય વડાપ્રધાન તરફથી પ્રશંસા પત્ર મળ્યો છે, જેનાથી હું સન્માનિત અનુભવું છું. તેમણે વ્યક્ત કરેલી લાગણીઓ માટે હું ખૂબ આભારી છું. મારા જીવનની બીજી ઇનિંગમાં પ્રવેશ કરી રહ્યો છું, ત્યારે હું મેદાન પર વિતાવેલી દરેક ક્ષણ અને ચાહકો તરફથી મળેલા પ્રેમને યાદ રાખીશ.
વડાપ્રધાને આ પત્રમાં લખ્યું છે કે, ચેતેશ્વર પૂજારાના નિવૃત્તિના નિર્ણય વિશે માહિતી મળી, ત્યારબાદ ચાહકો અને ક્રિકેટ જગત તરફથી પ્રશંસા થઈ. વડાપ્રધાને તેમની શાનદાર ક્રિકેટ કરિયર માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનને કહ્યું કે, ટૂંકા ફોર્મેટના રાઉન્ડમાં પૂજારા લાંબા ફોર્મેટની સુંદરતાનું પ્રતીક રહ્યા હતા. પૂજારાની ધીરજ, એકાગ્રતા અને લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તેમને ભારતીય બેટિંગનો મહત્ત્વનો આધારસ્તંભ બનાવ્યો હતો.
પીએમ મોદીએ પુજારાના પત્રમાં લખ્યું છે કે, તેમને ઓસ્ટ્રિલયાની ધરતી પર ૨૦૧૮-૧૯ માં જે ઐતિહાસિક ટેસ્ટ સીરિઝમાં તેનના યોગદાન અંગેનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, પુજારાની હાજરી હંમેશા ચાહકોમાં વિશ્વાસ ભરી દેતો હતો કે,ટીમ હવે સુરક્ષિત હાથમાં છે. તેમણે ઘરેલું ક્રિકેટ, ખાસ કરીને સૌરાષ્ટ માટે તેમનું યોગદાન બિરદાવવા લાયક છે. રાજકોટને ક્રિકેટના નકશા પર લાવવામાં તેમનું યોગદાન યુવાનો માટે ગર્વની વાત છે.