Western Times News

Gujarati News

RTI હેઠળ માહિતી ન આપવી બાવળા ચીફ ઓફિસરને ભારે પડી

સમયસર માહિતી ન આપતા અરજદારે અપીલ કરી-બાવળા ચીફ ઓફિસરને રૂપિયા ૧૫,૦૦૦નો દંડ

બાવળા,  માહિતી અધિકાર અધિનિયમ (RTI)-૨૦૦૫ હેઠળ સમયસર માહિતી ન આપવા અને રાજ્ય માહિતી આયોગના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને દંડ ફટકારવામાં આવ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલને રાજ્ય માહિતી કમિશનર દ્વારા ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે ૧૦ દિવસમાં પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.

બાવળાની વલ્લભનગર સોસાયટીમાં રહેતા વિશાલ મહેતાએ ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બાવળા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલીક માહિતી માંગી હતી.

જેમાં વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪ સુધીના તમામ ઠરાવોની પ્રમાણિત નકલ, ૩૦મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ કલેક્ટર દ્વારા યોજાયેલી સંકલન મીટિંગમાં વરસાદી પાણીના નિકાલ અંગેની માહિતી અને આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા ખર્ચની વિગતોનો સમાવેશ થતો હતો.

જો કે, ચીફ ઓફિસર દ્વારા નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં ન આવતા, વિશાલ મહેતાએ ૩૦મી ડિસેમ્બરે પહેલી અપીલ કરી હતી. પહેલી અપીલ અધિકારીએ જાહેર માહિતી અધિકારીને ૧૫ દિવસમાં વિનામૂલ્યે માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમનું પણ પાલન થયું ન હતું.

અંતે અરજદારે છઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી. ૩૧મી જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં અરજદાર વિશાલ મહેતા હાજર રહ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી ગેરહાજર રહ્યા હતા. આયોગ દ્વારા ખુલાસો પૂછવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.

આથી આયોગે માહિતી ન આપવાની બેદરકારી બદલ ચીફ ઓફિસર આકાશ પટેલને જવાબદાર ઠેરવીને કલમ-૨૦(૧) હેઠળ ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ ચીફ ઓફિસરે એક મહિનામાં પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કાપવામાં આવશે. આ ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલી તમામ માહિતી ૧૦ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.