વાત્રક, સાબરમતી, મહીસાગર અને શેઢી નદી બે કાંઠે થતાં ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી વધી

ગુજરાતના એક જિલ્લામાં ચાર-ચાર નદીઓ બની ગાંડીતૂર – કેટલાંક રસ્તા બંધ થતા ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી વધી
ખેડા, જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જિલ્લામાંથી પસાર થતી શેઢી, વાત્રક, મહીસાગર અને સાબરમતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કિનારે વસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા પ્રસરી છે. ઉપરવાસમાં સતત પડેલા વરસાદના કારણે વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે,
જેથી વાત્રક નદીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો છે. પાલ્લા ખાતે આવેલ સપ્તનદી સંગમમાં સાબરમતી અને વાત્રક નદીઓના પાણી મળી જતાં નદીના જળસ્તરમાં એકાએક વધારો જોવા મળ્યો છે. બીજી તરફ મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી ૬૦ હજાર ક્્યુસેક અને પાનમ ડેમમાંથી એક લાખ ક્્યુસેક જેટલું પાણી છોડાતા નદી ઉફાન પર આવી ગઈ છે. નદીઓમાં ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે જાણે નદીઓ નહીં પરંતુ દરિયો વહી રહ્યો હોય તેમ દૃશ્ય સર્જાયું છે.
પૂર જેવી પરિસ્થિતિ હોવા છતાં, કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા છે, જેના કારણે ચિંતા વધી રહી છે. નદીઓમાં પાણીની સપાટી વધતા જિલ્લાના તંત્રે તાત્કાલિક પગલાં લીધા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીઓ પર આવેલા ત્રણ જેટલા બ્રિજ અને કોઝવે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ઓવરટોપિંગને કારણે જિલ્લામાં ૧૦ જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને શેઢી નદીમાં પૂર આવતાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ઘણા ગામો અસરગ્રસ્ત બન્યા છે. ઠાસરા તાલુકામાં ઠાસરા-ગોરજ, ઠાસરા-એકલવેલું અને વિંઝોલ-સેવાપુરા જેવા મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ગળતેશ્વર તાલુકામાં ધોરાની મુવાડી-વાઘરોલી, વાળદ-ડભાલી, વાળદ-ચપટીયા, અંગાડી-નેતરિયા અને વાણદ-મીઠાના મુવાડા જેવા પાંચ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત નદીકાંઠાના ગામોના નાગરિકોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ૨૧ જેટલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તલાટી અને સરપંચોને પોતાના ગામમાં જ રહેવા તથા નાગરિકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. પાણીનો પ્રવાહ સતત વધતો હોવાથી આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની શક્્યતા છે.
જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, તેમજ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.