જે આદિવાસી પરિવારો કાચું ઝુંપડું રીપેર કરાવી શકતા નથી તેમના બેંક ખાતામાં 6 કરોડના વ્યવહાર થયા કેવી રીતે?

ભીમપોર ગામમાં નરેશ ચૌહાણ અને અમિતા ચૌહાણે આદિવાસી પરિવારોના બેન્ક ખાતામાં ૫૦૦ કરોડથી વધુનો ગોટાળો કર્યો-ઝૂંપડામાં રહેતા ગરીબ આદિવાસી લોકોના બેન્ક ખાતામાં ૬ કરોડનો વ્યવહાર
તાપી, વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં જ રહેતા એક દંપતી દ્વારા ગરીબોને વાર્ષિક ૨૫૦૦ રૂપિયાની સહાય આપવાની લાલચ આપી બેંકમાં ખાતા ખોલાવી ૯૦થી વધુ આદિવાસીઓના બેંક ખાતામાં આર્થિક ગોટાળો આચરાયો છે, ત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં વાલોડ ઉપરાંત જિલ્લાના વ્યારા સહિતના ગામડાઓમાં પણ કૌભાંડ આચરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ ગોટાળામાં ભીમપોર ગામના જ વતની નરેશ ભીમજી ચૌહાણે પોતાની પત્ની અમિતા ચૌહાણ સાથે મળી ગામની ખાસ કરીને વિધવા બહેનોને વિશ્વાસમાં લઈ ‘દાન આપવામાં આવશે’
તેવી આશા જગાવી બેંક ખાતું ખોલાવડાવ્યું હતું અને દર વર્ષે ૨૫૦૦ રૂપિયા આપી ગરીબ પરિવારોના બેંક ખાતામાં જાણ બહાર બેનામી રીતે કરોડો રૂપિયાના વ્યવહાર કરાવીને છેતરપિંડી આચરી હતી. જે બાબતે વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ મળતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભીમપોર ગામમાં એક-એક ખાતામાં ૬-૬ કરોડના ત્રાહિત વ્યક્તિ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યાં છે. જેથી ગરીબ આદિવાસી પરિવારોને સરકારી યોજનાકીય લાભોથી વંચિત થવાનો વારો આવ્યો છે.
કાચા ઘરોમાં રહેતા આ આદિવાસી પરિવારોએ કોઈ દિવસ આટલા ૬ કરોડ રૂપિયા જોયા તો શું ક્્યારે આટલો મોટો આંકડો સાંભળ્યો પણ નહીં તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પોતાનાં બેંક ખાતામાં આટલી મોટી રકમનાં વ્યવહાર થયો હોવાની જાણ થતાં આ લોકો આંચકો અનુભવી રહ્યા છે.
આ કરોડોના વ્યવહાર માટે નરેશ ચૌહાણે અને અમિતા ચૌહાણે (દંપતી) જેમને ટાર્ગેટ બનાવ્યા હતા તેમાના એક વિધવા મહિલા કંકુબેને જણાવ્યું કે, આ પતિ-પત્નીએ મને લાલચ આપી હતી કે, ‘ગરીબ પરિવારોને સહાય મળશે, જો તમારે પણ સહાય જોઈતી હોય તો તેના માટે એક અલગ બેન્ક એકાઉન્ટ ખોલાવવું પડશે.
‘ આવું કહીને તેઓએ આધાર કાર્ડ પણ માંગ્યું હતું અને મને સુરત ખાતે આખી પ્રોસેસ કરાવવા માટે લઈ ગયા હતા. જે બાદ મારા નામે બેન્ક એકાઉન્ટ ખૂલ્યું, જોકે બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બેન્ક ખાતામાં ૬ કરોડ રૂપિયાનો વહીવટ થયેલો છે.’
આ અંગે આદિવાસી સમાજના એક આગેવાને જણાવ્યું કે, ભીમપોર ગામમાં જે લોકો પાસે રહેવા માટે પાકુ મકાન નથી, કે પછી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી તે વ્યક્તિના ખાતામાંથી કરોડોના વ્યવહાર થયા છે. આ કૌભાંડની પ્રાથમિક તપાસમાં અધધ ૪૦૦-૫૦૦ કરોડ જેટલી રકમનો વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે આ આદિવાસી લોકોને સરકાર તરફથી મળતા વિવિધ યોજનાના લાભો પણ બંધ થઈ ગયા છે.
સરકાર તરફથી મળતું અનાજ, સ્કૂલમાં અભ્યાસ માટે મળતી સ્કોલરશિપ, પ્રધાનમંત્રી હેલ્થ કાર્ડ, આવાસ યોજના જેવી ઘણી બધી યોજનાઓથી આ લોકો વંચિત છે. ત્યારે આ મામલે તપાસ કરી આ તમામ યોજનાના લાભો આ લોકોને પરત મળે તે હેતુથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે, આ ગામમાં ૫૦૦ કરોડથી વધુનો ગરીબ આદિવાસી લોકોનાં ખાતામાં આર્થિક વ્યવહાર કરાયો હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોના દ્વારા આટલા મોટા વ્યવહાર કરાયો? અને કરોડો રૂપિયા આવ્યા ક્્યાંથી અને કોની પાસે ગયા? તે તો તપાસ દરમિયાન જ બહાર આવશે. જોકે સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય અને આરોપીઓને ઝડપી કડકાઈથી કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યાં છે.