10 હજાર મૃતકોના નામે મફત અનાજ લેવાતું હોવાનો દિલ્હીમાં ઘટસ્ફોટ

કારના માલિક, જમીન ધરાવતા અને ઈન્કમટેકસ ભરનારાએ પણ મફત અનાજનો લાભ લીધો
નવી દિલ્હી, દિલ્હીમાં મફત અનાજ વિતરણમાં મોટી ગેરરીતિ સામે આવી છે. લગભગ ૧૦,૦૦૦ મૃતક અને ઈન્કમટેકસ ભરનારાઓ પણ મફત રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. જો કે, આ યોજના ફકત ગરીબ પરિવારો માટે છે.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય વ્યાપી રેશન કાર્ડ વેરિફિકેશન અભિયાન દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી. આ ગેરરીતિ સામે આવ્યા પછી દિલ્હીમાં ૬.પર લાખ અયોગ્ય લાભાર્થીઓના નામ હટાવવાની ભલામણ કરવામાં આવી છે.
દિલ્હીમાં મૃત્યુ પામેલા ૧૦ હજાર લોકોના નામે પણ અનાજ લેવામાં આવી રહ્યું છે. ૯૬ હજાર લાભાર્થીઓ એવા છે કે જેમની પાસે કાર છે. ર.૮૦ લાખ લોકો જમીનના માલિક છે અને આવકવેરા રિટર્ન પણ ભરે છે તેમ છતાં મફત અનાજ મેળવી રહ્યા છે. આશ્ચર્યચક્તિ તથ્ય એ છે કે, જાહેર વિતરણ પ્રણાલિ હેઠળ સંચાલિત મફત અનાજની યોજના એ પરિવારો માટે છે.
જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, આ ચોંકાવનારી માહિતી કેન્દ્ર સરકારની એક રાષ્ટ્રવ્યાપી રાશન કાર્ડ વેરિફિકેશન અભિયાન હેઠળ સામે આવી છે. જેમાં સમગ્ર દેશના એક કરોડ ૧૭ લાખ લાભાર્થીઓના નામ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે જેમાં દિલ્હીના ૬.પર લાભ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કુલ લાભાર્થીઓની સંખ્યા ૭ર.૭૭ લાખ છે. એટલે કે લગભગ ૧૦ ટકા લાભાર્થીઓના નામ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અભિયાન દરમિયાન ૮૯,૦૮૪ નકલી લાભાર્થી મળ્યા હતા જેમની પાસે એકથી વધારે રાજ્યોમાં રાશન કાર્ડ હતા. વેરિફિકેશનનો અંતિમ રિપોર્ટ ૩૦ સપ્ટેમ્બર સુધી કેન્દ્રને સોંપવાનો છે.