ગુજરાતનાં શિક્ષણ વિભાગનો શાળાઓ માટે નવો હુકમ (ઉર્ફે ફતવો)

વળી, સૌથી મોટી ખોટ તો એ છે કે મોટાભાગની શાળાઓ પાસે વ્યાયામ શિક્ષકો નથી. આ ઉપરાંત કેટલીક શાળાઓ પાસે મેદાન જ નથી.
ગાંધીનગર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) દ્વારા તા.૨૬/૦૮/૨૫ના રોજ એક નવો હુકમ (ઉર્ફે ફતવો) બહાર પાડીને સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ આદેશ કરી દીધો કે તા.૨૯,૩૦,૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન તેઓએ શાળામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવી. ગુજરાતનો શિક્ષણ વિભાગ (વિચાર્યા વગરના) આડેધડ હુકમો કરવા માટે જાણીતો છે.
નહીંતર તા. ૨૯ ઓગસ્ટે જેની ઉજવણી કરવાની છે એ રાષ્ટ્રીય રમતગમત દિનની ઉજવણીનો પરિપત્ર માત્ર ૨ દિવસ પહેલા બહાર પાડે? શૈક્ષણિક સંસ્થાઓને તૈયારી કરવાનો કોઈ સમય આવવાનો હોય કે નહીં?
વળી, સૌથી મોટી ખોટ તો એ છે કે મોટાભાગની શાળાઓ પાસે વ્યાયામ શિક્ષકો નથી. આ ઉપરાંત કેટલીક શાળાઓ પાસે મેદાન જ નથી. એ સંજોગોમાં જીસીઈઆરટીના પરિપત્રનો અમલ કંગાળ રીતે અને માત્ર કાગળ પર જ થશે એવી ભીતી શિક્ષણપ્રેમીઓ સેવી રહ્યા છે.
મોદીના પ્રવાસ વખતે મંત્રી બળવંતસિંહ રાજપુતની ગેરહાજરી અને હાર્દિક પટેલની હાજરી આશ્ચર્યજનક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાત રાજ્યના પ્રવાસે આવ્યા ત્યારે બેફ આશ્ચર્યજનક ઘટનાઓ બની (૧) ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રોટોકોલ અનુસાર હાજર રહેવું જોઈએ એ દેખાયા નહીં
અને (૨)ઃ-પ્રોટોકોલમાં કશે ન આવતા અને જેમની ઉપસ્થિતિ જરાય અપેક્ષિત ન હોય તેવા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વડાપ્રધાનનાં સ્વાગતમાં હાજર હતા!
આ બંને ઘટનાં પાછળ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે અને એ વાત ગુજરાતના પ્રધાનમંડળમાં થનાર સંભવિત ફેરફાર સુધી પહોંચી છે.પણ એ અંગે કશી કલ્પના કરવી એટલે ‘છાસ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ’ કહેવત જેવું થાય!
જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોળીની સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે નિમણૂક
સુપ્રીમ કોર્ટમાં ગુજરાત કોઈ દ્વેષભાવ તો નથી પ્રવર્તતોને? આવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે તાજેતરમાં નિવૃત થયેલા ગુજરાતી મહિલા ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદી નિવૃત થયા ત્યારે તેમને સુપ્રીમ કોર્ટે બાર એસોસિયેશન તરફથી નિવૃતિ વિદાયમાન ન અપાયુ
અને હવે સુપ્રીમ કોર્ટે કોલેજીયમની તા.૨૫/૦૮/૨૫/ના રોજ મળેલી બેઠકમાં અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એસસી. થયેલા અને એલ.એ.શાહ લો કોલેજમાંથી એલ.એલ.બી. થયેલા જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોળીને સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક આપવા માટે ભલામણ કરવામાં આવી હતી તેમાં પણ વિવાદ ઊભો કરાયો હતો.
વાત જાણે એમ છે કે (૧)જસ્ટિસ બી.આર.ગવઈ(૨) જસ્ટિસ સૂર્યકાંત(૩) જસ્ટિસ વિક્રમનાથ(૪)જસ્ટિસ જે. કે.મહેશ્વરી અને(૫) જસ્ટિસ નાગરત્નાને સમાવતી પાંચ સભ્યોની બનેલી સુપ્રીમ કોર્ટેની કોલેજીયમે મતદાનમાં ૪-૧(ચાર વિરુદ્ધ એક)થી વિપુલ પંચોળીની નિમણૂક સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ તરીકે કરવાની ભલામણ કરી છે.
એક મત વિરુદ્ધમાં આપનાર જસ્ટિસ નાગરત્નાએ જસ્ટિસ વિપુલ પંચોળી વિરુદ્ધ એવું લખ્યું છે કે તેમની નિમણૂક ન્યાયના વહીવટની વિરુદ્ધની હશે અને કોલેજીયમની વિશ્વસનીયતાને જોખમમાં મુકશે.નાગરત્નાએ વિપુલ પંચોળીની ઓછી વરિષ્ઠતાનો મુદ્દો ઉઠાવીને પણ તેમની સુપ્રીમ કોર્ટેમાં નિમણૂક અંગે વાંધો નોંધાવ્યો હતો.
સામે પક્ષે પરિસ્થિતિ એવી થઈ છે કે વિપુલ પંચોળી સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમાતા ભવિષ્યમાં સિનિયોરીટીના આધારે સંભવતઃ તેઓ ઓક્ટોબર-૨૦૩૧ થી મે – ૨૦૩૩ સુધી ભારતનાં ચીફ જસ્ટિસના પદ પર પણ કામગીરી કરવાની તક મેળવશે.
જોધપુરમાં મોટાપાયે બેઠક યોજીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શેની તૈયારી કરે છે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિનિયર અધિકારી એક સામાજિક શુભ પ્રસંગે મળી ગયા તેથી સ્વાભાવિક રીતે પૂછ્યું સંઘનાં શું સમાચાર છે? ત્યારે તેઓએ (નામ ન લખવાની શરતે) જણાવ્યું કે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી તારીખ ૫,૬,૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસો દરમિયાન રાજસ્થાનના જોધપુર ખાતે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત તેના જુદાં જુદાં સંગઠનો જેવા કે વિશ્વ હિન્દુ પરિષદ,દુર્ગાવાહિની વગેરે સહિતના સંગઠનોના સર્વોચ્ચ હોદ્દેદારો તથા સંઘમાંથી મોહન ભાગવત,દત્તાત્રેય હોંસબોલે સહિતના આગેવાનો અપેક્ષીત રહેશે.આ બેઠકનો એજન્ડા જાહેર કરવામાં નથી આવ્યો.”
સિક્કાની બીજી બાજુ એવી છે કે સંઘના તમામ સંગઠનોની ૩ દિવસ લાંબી બેઠક અંગે રાજકીય વિશ્લેષકો અનેક તર્કવિતર્ક કરી રહ્યા છે. રાજકીય નિરીક્ષકો આ બેઠકને અતિ અગત્યની અને દુરગામી પરીણામ આપનારી બની રહેશે એવી શક્યતા પણ દર્શાવી રહ્યા છે.
ભા.જ.પ.નો ભાઈચારો અને ડો.પ્રવીણ તોગડિયાનું સૌજન્ય
૨૦૧૪મા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન થવા વિદાય થયાં ત્યારે વિધાનસભામાં શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીના સંબંધોને લઈને વજુભાઈ વાળાએ એવું વિધાન કર્યું હતું કે ‘ડાંગે માર્યા પાણી છુટાં ન પડે’ એ વાતને સાર્થક કરતી હોય તેવી એક ઘટના ગત તારીખ ૨૩/૦૮/ ૨૫ના રોજ સોમનાથ મંદિર ખાતે બની હતી.
બન્યુ એવું કે (હાલમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા) વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને તેજાબી નેતા ડો.પ્રવીણ તોગડિયા સોમનાથ મંદિરના દર્શને આવ્યા.
તેમની તમામ સિક્યોરિટી છીનવાઈ ગઈ હોવા છતાં તેઓ જાણે ઝેડ-પ્લસ સિક્યોરિટી ધરાવતા હોય એવો ચુસ્ત બંદોબસ્ત પોલીસ ખાતાએ કર્યો હતો. ગીર સોમનાથ પોલીસનાં પ્રોટોકોલ ડીવાય.એસ.પી. ડો.તોગડિયાની તહેનાતમાં હાજર હતા.
નરેન્દ્ર મોદી જે ટ્રસ્ટના ચેરમેન છે એ સોમનાથ ટ્રસ્ટ વ્યવસ્થાપકો ડો.પ્રવીણ તોગડિયાની ખાતેદારી કરવા હાજરાહજૂર હતા.લોકો માટે દર્શન બંધ કરી તોગડિયાને મંદિરમાં દર્શન કરવા લઇ જવાયા.આ પ્રસંગે એક સામાન્ય દર્શનાર્થીએ બુમ પાડીને તોગડિયાને ફરિયાદ કરી કે તમારા કારણે અમને દર્શન કરવા નથી જવા દેતા.
આથી ડો.તોગડિયાએ એ વ્યક્તિ પાસે જઈને સંઘના અસલ સંસ્કાર અનુસાર સૌજન્યથી હાથ જોડ્યા અને તેઓને દર્શન કરવા જવા દેવાની પોલીસને સૂચના આપી.સામાન્ય લોકો ને કાર્યકરોને લાગે કે પ્રવીણ તોગડિયા સંઘ અને ભા.જ.પ.થી દૂર થઈ ગયા છે પણ અંદરખાને શું રંધાતું હોય તેની બધાને ખબર નથી હોતી. હકીકતમા તો અંદરખાને બધાં એકનાં એક જ હોય તેની જાણ બધાને નથી હોતી હોં!