106 કરોડની નર્મદા જળ સપ્લાયની પાઇપલાઇન 450 થી વધુ વખત ફાટી

નિગમના વિપક્ષ નેતાએ તેનો વિરોધ કરવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને આ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવવાનું વિચાર્યું
ભોપાલ, મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વારંવાર પાઇપલાઇન ફાટવાથી પરેશાન થઈને નગર નિગમના વિપક્ષ નેતાએ તેનો વિરોધ કરવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને આ રૅકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવવાનું વિચાર્યું છે.
ખંડવાની આ નર્મદા જળ સપ્લાયની પાઇપલાઇન ૪૦૦થી વધુ વખત ફાટી ચૂકી છે. તેથી, વિપક્ષના નેતાએ તેનું નામ ગિનિસ બુકમાં નોંધાવવાનો પ્રયાસ શરુ કર્યો અને સંજોગોવશાત્ તેમનો આ પ્રયાસ સફળ પણ થયો અને ગિનિસ બુકે આ અંગેની તેમની અરજી સ્વીકારી પણ લીધી. ગિનિસ બુકવાળાઓએ આ રૅકોર્ડ ખંડવાના નામે નોંધવા માટે જરૂરી દસ્તાવેજો માગ્યા છે, જે લેવા માટે વિપક્ષ નેતા કલેક્ટર આૅફિસ પહોંચ્યા અને આ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી.
આ કેસ વિશે માહિતી આપતાં, નગર નિગમના વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપક મુલ્લુ રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, ખંડવામાં આ પાઇપલાઇન ૧૦૬ કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ ૪૫૦ વખત ફાટી ચૂકી છે.
ત્યારબાદ મેં આ વિશે ગિનિસ બુક આૅફ વર્લ્ડ રૅકોર્ડમાં તેનું નામ નોંધાવવા માટે અરજી આપી, જેને તેમણે સ્વીકારી લીધી. તેમણે મારી પાસે પાઇપલાઇન કેટલી વાર ફાટી છે અને તે કયા વિભાગ હેઠળ આવે છે, તેની પ્રમાણિત નકલો માગી છે. જો આપણે તેમને પ્રમાણિત નકલો આપીશું, તો ચોક્કસપણે ગિનિસ રૅકોર્ડ ખંડવાના નામે નોંધાશે.
દીપક મુલ્લુ રાઠોડે આ અંગે વધુમાં કહ્યું કે, ‘એશિયા કે દુનિયામાં ક્્યાંય પણ આટલી મોટી પરિયોજના આટલી ખરાબ રીતે નિષ્ફળ નથી ગઈ. આ ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ છે. અમે પછાત જિલ્લામાં આવીએ છીએ, પરંતુ ગિનિસ બુકમાં આવવાથી દુનિયાભરમાં ખંડવાનું નામ થશે. તેથી મેં કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે તેઓ મને પ્રમાણિત નકલ આપવા માટે નગર નિગમ કમિશ્નરને આદેશ આપે.’
ખંડવાની ૨.૫ લાખની વસ્તીને પાણી પુરવઠો પૂરી પાડતી આ પાઇપલાઇન વારંવાર ફાટવાથી લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. જ્યારે પણ પાઇપલાઇન ફાટે છે, ત્યારે ૪૮ કલાક સુધી પાણી પુરવઠો બંધ રહે છે. જોકે, અધિકારીઓના મતે, આ સમસ્યાને ઉકેલવા માટે નવી પાઇપલાઇન નાખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, જેનાથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલી નહીં પડે.