Western Times News

Gujarati News

હિંમતનગરમાં 70 સોસાયટીમાં પાણી ભરાયા પછી રોગચાળાની દહેશત

હિંમતનગરમાં સાત ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો- ૧૦૦ થી વધુ ફોર વ્હીલર પાણીમાં ગરકાવ – હિંમતનગરની ઘણી સોસાયટીઓમાં પાણી ભરાતા વરસાદ આફતરૂપ બન્યો

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં હવે ચોમાસુ અંતિમ ચરણમાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના ચાર તાલુકાઓમાં અતિશય વરસાદ પડી ચૂક્યો છે ત્યારે શનિવારે વહેલી સવારે ચાર કલાકમાં હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં અંદાજે સાત ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરીજનો ઉંઘમાંથી જાગી ગયા હતા.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલ ૭૦ થી વધુ સોસાયટીઓમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે મોટાભાગના સોસાયટીઓ જાણે કે નદીમાં બેટ હોય તેમ અડધા મકાનો પાણીમાં હતા. મેઘરાજાએ જાણે કે હિંમતનગરના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પાણી બતાવી દીધું હોય તેવા અનુભવ શહેરીજનોને થયા છે. એકધારો ચાર કલાક સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે મકાનોના ધાબા પણ વરસાદી ટીપાથી અવાજ કરતા થઈ ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લો પોતાની દિનચર્યા પુરી કરીને શુક્રવારે રાત્રે નિંદ્રા દેવીને આધિન થઈ ગયા હતા. પરંતુ મોડી રાત્રે અથવા તો વહેલી સવારે એકલા હિંમતનગર પર વરસાદી આફત આવે તેવી કોઈને ખબર ન હતી.

દરમ્યાન શનિવારે વહેલી પરોઢે બે વાગ્યાથી ૬ વાગ્યા સુધીમાં હિંમતનગરના મહાવીરનગર, સહકારીજીન, મોતીપુરા, બેરણારોડ, શારદાકુંજ, સહયોગનગર, મહાકાલી મંદિર રોડ, ગાયત્રીમંદિર, ટાવરચોક, રેલ્વેસ્ટેશન, બસસ્ટેન્ડ સહિત છાપરીયા રોડ અને પોલોગ્રાઉન્ડ, મહેતાપુરા સહિતના હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં સાંબેલાધાર કહી શકાય તેવો એકધારો વરસાદ વરસ્યો હતો. જેને લઈને ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા યુવાનોએ પણ આવો વરસાદ હિંમતનગરના ઈતિહાસમાં ન જોયો હોય તેવું માનતા હતા.

ચાર કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે હિંમતનગર વાસીઓ વહેલી પરોઢે આવો ભયંકર વરસાદ જોઈને કૂતુહલવશ ઘરની બહાર નીકળ્યા ત્યારે અનેક સોસાયટીઓમાં ઘર આગળ તથા કોમન પ્લોટમાં પાર્ક કરાયેલા ફોર વ્હીલર, ટુ-વ્હીલરની છત સુધી પાણી ચઢી ગયું હતુ. જોકે વાહનચાલકોએ પણ પોતાના વાહનો પાણીમાંથી બહાર કાઢવા માટે હિંમત કરી ન હતી. દ્વિચક્રી વાહનોના માલિકો પણ પોતાનું વાહન લઈને શહેરની લટાર મારવા નીકળ્યા હતા પરંતુ શહેરના દ્રશ્યો જોઈને તેઓ પણ હેબતાઈ ગયા હતા. કેટલાક દ્વિચક્રી વાહનચાલકોએ પોતાનું વાહન રોડ પર ભરાયેલા પાણીમાં થઈને કાઢવાની હિંમત કરી હોવા છતાં તેમના વાહન બંધ થઈ ગયા હતા.

હિંમતનગરના ઈતિહાસમાં સતત એકધારો આવો વરસાદ લોકોએ તેમના જીવનકાળ દરમ્યાન જોયો નથી તેવો દાવો કરીને કહ્યું હતુ કે હિંમતનગરની મોટા ભાગની સોસાયટીઓમાં વરસાદે આ સોસાયટીઓને નદી વચ્ચે બેટ હોય તેવી રીતે અડધા પડધા મકાનોમાં ભરાયેલા પાણીના દ્‌ર્શ્યો જોઈને તેઓ પણ દ્રવી ઉઠયા છે.

વહેલી પરોઢે શરૂ થયેલા આ વરસાદે અસંખ્ય પરિવારોની હાલત કફોડી બનાવી દીધી છે. ઘરોમાં રખાયેલું રાચ-રચીલું તો ઠીક પણ ઘરવખરી સહિત અનાજ પણ પલળી ગયુ હતુ. ત્યારબાદ શનિવારે સવારે હિંમતનગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને પરીસ્થિતીનું નિરીક્ષણ કર્યું હતુ. એકધારા પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ગટરલાઈનનું પાણી પણ બેક મારતું હોવાને કારણે લોકોની પરેશાની બેવડાઈ હતી.

ત્યારબાદ નગરપાલિકા ધ્વારા મોટાભાગના વોર્ડમાં સફાઈકર્મીઓ તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ગટરના બંધ ઢાંકણ ખોલતા તરત જ પાણી ઓસરવા માંડયું હતુ અને આખરે બપોર સુધીમાં મોટાભાગની સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ થતાં હિંમતનગર વાસીઓએ આંશિક રાહત અનુભવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.