તમામ જાહેર સેવા વાહનોમાં લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ લગાવવું આ રાજ્યની સરકારે ફરજિયાત કર્યું

મુસાફરોની સુરક્ષા વધારવા તથા પરિવહન ક્ષેત્રના મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા માટે તામિલનાડુ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે કે તમામ જાહેર સેવા વાહનોમાં હવે માનકીકૃત વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ (VLTDs) લગાવવું ફરજિયાત રહેશે.
હોમ (પરિવહન) વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નિર્દેશ અનુસાર, સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989 હેઠળ જાહેર સેવા અને પરિવહન શ્રેણીમાં આવતા તમામ વાહનોમાં ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ-140 (AIS-140) મુજબના ઉપકરણો લગાવવાના રહેશે. આ પહેલ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા ઘડાયેલા રાષ્ટ્રીય માળખા સાથે સુસંગત છે.
રાજ્ય સરકારે પરિવહન અને માર્ગ સુરક્ષા કમિશનરને આ ઉપકરણોની નોંધણી અને સક્રિયકરણ પ્રક્રિયાની દેખરેખ માટે સત્તા સોંપી છે. VLTD સપ્લાય તથા ફિટમેન્ટ કરવા ઇચ્છતા ઉત્પાદકોને કમિશનર સાથે પોતાના મોડલ્સની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમને માન્ય એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ AIS-140 પ્રકાર મંજૂરી પ્રમાણપત્ર મેળવવું પડશે અને રાજ્યભરમાં પૂરતા ફિટમેન્ટ સેન્ટરો સ્થાપવા પડશે, જેથી સેવા તથા જાળવણી સમયસર મળી શકે.
કમિશનર ટૂંક સમયમાં પાત્ર કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવશે. કંપનીઓને 30 કાર્યકારી દિવસોમાં અરજી કરવી રહેશે. દરેક અરજી સાથે પ્રતિ ઉપકરણ મોડલ દીઠ રૂ.25,000 નો નોન-રિફંડેબલ ફી તથા સેમ્પલ સેટ્સ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ઉપકરણોનું કડક પરીક્ષણ કરવામાં આવશે, જેથી તેઓ AIS-140 ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં તેની ખાતરી થઈ શકે. સફળ પરીક્ષણ બાદ જ તે મોડલ્સને રાજ્યમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.
આદેશમાં ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. નોંધાયેલા ઉત્પાદકોને 24×7 સપોર્ટ સિસ્ટમ તથા ઝોનલ લેવલ પર સર્વિસ સેન્ટરો સ્થાપવા ફરજિયાત રહેશે, જેથી વાહન માલિકોને તાત્કાલિક મદદ મળી શકે.
અધિકારીઓ અનુસાર, આ પહેલથી જાહેર સેવા વાહનોનું રિયલ-ટાઈમ ટ્રેકિંગ શક્ય બનશે, મુસાફરોની સુરક્ષા વધશે અને પરિવહન ક્ષેત્રનું મોનિટરિંગ વધુ અસરકારક બનશે. અમલીકરણ બાદ આ વ્યવસ્થા જાહેર પરિવહનમાં પારદર્શિતા લાવશે અને મુસાફરોનો વિશ્વાસ વધારશે.