ઈઝરાયેલનો ગાઝા પર હુમલો, હમાસના પ્રવક્તા સહિત ૪૩નાં મોત

ભોજન મેળવવા દોડા-દોડી કરી રહેલી ભીડ પર ગોળીબાર
ગાઝા નજીક આવેલા નેટ્ઝારિમ કોરિડોર ખાતે ઈઝરાયેલના લશ્કરે ભીડ પર ગોળીબાર કર્યાે હતો
ડેઈર અલ-બલાહ, ઈઝરાયેલે ગાઝા શહેરમાં નવેસરથી હુમલા શરૂ કર્યાં છે. આ હુમલામાં હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઓબૈદા સહિત ૪૩ વ્યક્તિનાં મોત થયા હોવાનું ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે જણાવ્યું છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા શહેરમાં લશ્કરી હુમલા શરૂ કરાયા પછી ઓબૈદાનું સ્ટેટમેન્ટ આવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી હમાસની કાસમ બ્રિગેડ્સના પ્રવક્તા રહેલા ઓબૈદા પર હુમલો કરવામાં આવ્યો છે.
જો કે ઓબૈદાના મોત અંગે તેમણે કોઈ માહિતી આપી ન હતી. બાદમાં સંરક્ષણ મંત્રીએ ઓબૈદાના મોતની પુષ્ટિ કરી હતી.ઈઝરાયેલે આતંકવાદી સંગઠનનો ખાત્મો બોલાવવા નિર્ધાર કર્યાે છે અને હમાસના નેતાઓ તથા તેના સમર્થકો પર હુમલા ચાલુ રાખ્યા છે. ગત શનિવાર અને રવિવારના રોજ ઈઝરાયેલે ગાઝા શહેર પર કરેલા હુમલામાં ૪૩ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા છે.
ગાઝા નજીક આવેલા નેટ્ઝારિમ કોરિડોર ખાતે ઈઝરાયેલના લશ્કરે ભીડ પર ગોળીબાર કર્યાે હતો. ગાઝાવાસીઓ ભોજન મેળવવા દોડા-દોડી કરતા હતા ત્યારે ઈઝરાયેલના સૈનિકો અચાનક ત્રાટક્યા હતા. દરમિયાન ગાઝા શહેર પર હુમલાઓ તીવ્ર બનાવવાના સંકેત આપતાં ઈઝરાયેલ પેલેસ્ટાઈનિયનોને ગાઝા શહેર ખાલી કરવા જણાવ્યું છે.ss1