જાહેર સ્થળો પર વ્હિકલનો ઉપયોગ ન થાય તો મોટર વ્હિકલ ટેક્સ ન લાગુ પડેઃ સુપ્રીમ

આંધ્ર હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો
મોટર વ્હિકલ ટેક્સ સ્વભાવિક રીતે વળતરદાયી છે એટલે કે ટેક્સ ચુકનારાને કંઇ વળતર મળવું જોઇએઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો કોઈ વ્હિકલનો ઉપયોગ જાહેર સ્થળે કરવામાં આવતો ન હોય તો તેના માલિક પર આવા સમયગાળા માટે મોટર વ્હિકલ ટેક્સનો બોજ ન નાખવો જોઈએ. ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ડિસેમ્બર ૨૦૨૪ના ચુકાદાને પડકારતી અપીલ પર પોતાનો આ ચુકાદો આપ્યો હતો.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે મોટર વ્હિકલ ટેક્સ સ્વભાવિક રીતે વળતરદાયી છે એટલે કે ટેક્સ ચુકનારાને કંઇ વળતર મળવું જોઇએ. તેનો સીધો સંબંધ અંતિમ ઉપયોગ સાથે છે. મોટર વ્હિકલ ટેક્સ વસૂલવાનો તર્ક એ છે કે જે વ્યક્તિ જાહેર માળખાકીય સુવિધાઓ, જેમ કે રસ્તા, હાઇવે વગેરેનો ઉપયોગ કરી રહી છે, તેને આવા ઉપયોગ માટે ચૂકવણી કરવી પડે છે.
આંધ્રપ્રદેશ મોટર વાહન કરવેરા ધારા, ૧૯૬૩ની કલમ ૩નો ઉલ્લેખ કરીને બેન્ચે જણાવ્યું હતું કે વિધાનસભાએ આ જોગવાઈમાં ‘જાહેર સ્થળ’ શબ્દનો સભાનપણે ઉપયોગ કર્યાે છે.આ કાયદાની કલમ ૩ મોટર વાહનો પર કર વસૂલાત સંબંધિત છે. સર્વાેચ્ચ અદાલતે ૨૯ ઓગસ્ટના રોજ આપેલા તેના ચુકાદામાં જણાવ્યું હતું કે જો કોઈ મોટર વાહનનો ઉપયોગ ‘જાહેર સ્થળ’માં ન થાય અથવા ‘જાહેર સ્થળ’માં ઉપયોગ માટે ન રાખવામાં આવે તો સંબંધિત વ્યક્તિ જાહેર માળખાકીય સુવિધાઓનો લાભ મેળવી રહી નથી, તેથી આવા સમયગાળા માટે તેના પર મોટર વાહન કરનો બોજ ન નાખવો જોઈએ.ss1