દેશમાં બોગસ અને બેનામી રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા હોવાનો દાવો

રાજકીય પક્ષોની નોંધણી-નિયમન માટે આકરા નિયમો બનાવવા ચૂંટણી પંચને આદેશ આપો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષોના સંદર્ભમાં એક મહત્વની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજકીય પક્ષોની નોંધણી અને નિયમન માટે નક્કર નિયમો બનાવવા માટે ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે. કેમ કે દેશમાં બોગસ અને નામવિહોણા રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા છે.
આવા પક્ષો ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ લોકોને પોતાના પદાધિકારી બનાવી રહ્યા છે, અને ભારે ડોનેશન મેળવીને ગુનેગારોને સંગઠનમાં સ્થાન આપી રહ્યા છે. જેનાથી લોકશાહી વ્યવસ્થા અને પારદર્શકતા પર સીધો હુમલો થઈ રહ્યો છે. અરજીમાં દાવો કરાયો છે કે એવા કેટલાક પક્ષો અસ્તિત્વમાં આવી ગયા છે, જેમણે અપહરણ કરનારાઓ, ડ્રગ્સ તસ્કરો, મની લોન્ડ્રિંગ કરનારાઓ અને કુખ્યાત ગુનેગારોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર પદાધિકારી બનાવી દીધા છે.
આવા પક્ષોએ મોટી રકમ લઈને ગુનેગારોને સંરક્ષણ આપ્યું અને તેમને રાજકીય માન્યતા આપી છે. આ અરજીમાં એવો આક્ષેપ લગાવવામાં આવ્યો કે અલગાવવાદી સંગઠનોએ પણ રાજકીય પક્ષો બનાવીને ફંડ એકત્ર કરવાનો રસ્તો અપનાવી લીધો છે અને કેટલાય નેતાઓને પોલીસ સુરક્ષા મળી ચુકી છે.સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં તાજેતરમાં પ્રગટ થયેલા મીડિયા રિપોર્ટનો હવાલો આપીને ઉલ્લેખ કરાયો છે કે આવકવેરા વિભાગે એક બોગસ રાજકીય પક્ષનો ખુલાસો કર્યાે, જે કાળા ધનને સફેદ કરવાનું કામ કરી રહ્યો હતો.
આ પક્ષ પર આક્ષેપ છે કે એ ૨૦ ટકા કમિશન લઈને કાળા ધનને માન્ય ફંડમાં બદલી રહ્યો હતો. અરજી કરનાર વકિલ અશ્વિની કુમાર ઉપાધ્યાયનું કહેવું છે કે રાજકીય પક્ષ જાહેર કાર્ય કરે છે, એટલા માટે એમાં પારદર્શકતા અને જવાબદેહી હોવી ખૂબ જરુરી છે. સુપ્રીમ કોર્ટ પહેલા પણ જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શકતા લાવવા માટે કેટલાક સુધારાઓ કરી ચુકી છે.ss1