ગણેશ વિસર્જન સમયે પિતા, બે પુત્રોના ડૂબી જવાથી મોત

જામનગરમાં નાઘેડી નજીક જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા
જામનગર, જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના સર્જા હતી. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા અરેરાટી ફેલાઈ છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રિતેશ દિનેશભાઈ રાવલ (ઉં. ૩૬) અને તેમના બે પુત્રો સંજય પ્રિતેશ રાવલ (ઉં. ૧૬) અને અંશ પ્રિતેશ રાવલ (ઉં. ૪) સાથે ગણેશ વિસર્જન માટે નાઘેડી પાસેના લહેર તળાવની પાછળ ગયા હતા. આ વખતે તેઓ તળાવમાં ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં જ પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને પિતા અને બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ પ્રજાપતિ કુંભાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા છે.
છતાં, લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરીને જોખમ વહોરી લે છે. જામનગર મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને ગણેશ વિસર્જન માટે નિર્ધારિત સ્થળો પર જ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ss1