Western Times News

Gujarati News

વેજલપુરમાં નજીવી તકરારમાં હત્યા મુદ્દે મહિલા આરોપીની જામીન અરજી ફગાવાઈ

આરોપીની ગુનામાં સક્રિય સંડોવણી, જામીન ન આપી શકાય

સરકાર પક્ષે એવી દલીલ કરી હતી કે, મૃતકને છોડાવવા આવનારને મહિલા આરોપી માર મારતી હતી તેથી જામીન મુક્ત ન કરવી જોઇએ

અમદાવાદ, વેજલપુરમાં નજીવી તકરારમાં યુવકની હત્યા કરનાર મહિલા આરોપીની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ દીપેન ડી. બુદ્ધદેવે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હતી અને એકસંપ થઇ યુવકની હત્યા કરી છે. આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા છે, ખૂન જેવો ગંભીર ગુનો છે, આ મામલે તપાસ જારી છે, ત્યારે આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી.

નોંધનીય છે કે, સરકાર પક્ષે એવી દલીલ કરી હતી કે, મૃતકને છોડાવવા આવનારને મહિલા આરોપી માર મારતી હતી તેથી જામીન મુક્ત ન કરવી જોઇએ.વેજલપુર વિસ્તારમાં પાનની પિચકારી મારવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં સુફિયાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં ઝડપાયેલા તબસ્સુર ઉર્ફે ફિરદોશ ફારૂકઅલી ખલીફાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, મારો કોઇ જ રોલ નથી, મે ખૂન કર્યું નથી, મારી સામે ફરિયાદમાં સામાન્ય મારામારીના આક્ષેપ છે, બે પક્ષે મારામારી થતા ક્રોસ ફરિયાદ પણ કરવામાં આવી છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન મુક્ત કરવી જોઇએ.

અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ એમ. ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આરોપી મહિલાનો ગુનામાં સક્રિય રોલ છે, આરોપી ગેરકાયદે મંડળીનો એક ભાગ હતી, મૃતકને જે બચાવવા આવતા હતા તેને મહિલા આરોપી માર મારતી હોવાનો ફરિયાદ પક્ષનો આક્ષેપ છે, આમ મહિલા ઘટના સ્થળે હાજર હતી તે અંગે પૂરતા પુરાવા છે, નજીવી તકરારમાં યુવકની હત્યા કરવામાં આવી છે, આરોપી અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહે છે તેથી જામીન મળે તો ફરી ઝઘડો કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, આ ઉપરાંત આ મામલે તપાસ જારી છે, આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરે અથવા સાક્ષીઓ ફોડે તેવી શક્યતા છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઇએ.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.