દેરાસરમાંથી ચાંદી મઢીત હીરાના ટીકા, દાનપેટીમાંથી રોકડની ચોરી

સીસીટીવીમાં ત્રણ બૂકાનીધારી શખ્સો કેદ
દેરાસરમાં લાકડાની દાનપેટી તૂટેલી હતી અને મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા મળી કુલ રૂ. ૨૩ હજારની ચોરી થઇ
અમદાવાદ,મકરબામાં આવેલા જૈન દેરાસરમાં સાત લાખથી વધુની મતા ચોરી થઇ હતી તે બનાવના ગણતરીના દિવસોમાં જ વધુ એક જૈન દેરાસરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. સાણંદ મોડાસર ગામ નજીકના જૈન દેરાસરમાં ત્રણ બૂકાનીધારી શખ્સોએ મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા અને દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ મામલે ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં મકરબા ટોરેન્ટ પાવર નજીક શિવ દર્શન સોસાયટીમાં પાર્શ્વ મકરબા શ્વેતાંબર જૈન દેરાસમાં ચોરી થઇ હતી.
મોડી રાતે ઘૂસેલા તસ્કરોએ ભગવાનની ચાંદીની મૂર્તિ, મહાવીર સ્વામીની પંચધાતુની મૂર્તિ, દાનપેટી મળી કુલ રૂ. ૭.૬૭ લાખની મતા ચોરી કરી હતી. હવે સાણંદ મોડાસર ગામ નજીક જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો છે. મૂળ પંચમહાલના સંજયભાઇ બારિયા આ જ દેરાસરમાં રહે છે અને સેવાપૂજાની સાથે દેરાસરનું સંકુલ સાચવે છે. ૨૯મીએ રાત્રે આરતી કરીને દેરાસર બંધ કરી રૂમ પર જઇને સૂઇ ગયા હતા.
બીજા દિવસે, ૩૦મીની સવારે દેરાસરમાં પૂજા કરવા ગયા ત્યારે દરવાજાનો કેટલોક ભાગ તૂટેલો હતો. દેરાસરમાં લાકડાની દાનપેટી તૂટેલી હતી અને મૂર્તિઓ પર લગાવેલા ચાંદીમાં મઢેલા ડાયમંડના ટીકા મળી કુલ રૂ. ૨૩હજારની ચોરી થઇ હતી. દેરાસરમાં લગાવેલા સીસીટીવી તપાસતા તેમાં ત્રણ બૂકાનીધારી શખ્સોએ ચોરી કર્યાનું જણાયું હતું. આ મામલે ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1