અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 600થી વધુના મોત

કાબુલ, અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધી ને 622 થયો છે, જ્યારે 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર રેડિયો એન્ડ ટેલિવિઝન ઓફ અફઘાનિસ્તાન (RTA) એ સોમવારે જણાવ્યું હતું.
રેસ્ક્યુ ટીમો હાલમાં દૂરસ્થ વિસ્તારોમાં મર્યાદિત સંચાર વચ્ચે પહોંચી રહી છે અને ત્યાં થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરીને રાહત કામગીરી હાથ ધરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ આંકડો પ્રાથમિક છે અને રાહત તથા શોધખોળની કામગીરી ચાલુ રહેતાં સંખ્યામાં વધારો થઈ શકે છે.
અમેરિકન જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપની તીવ્રતા 6.0 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી, જે 31 ઓગસ્ટની રાત્રે 11:47 કલાકે આવ્યો હતો. તેનો કેન્દ્રબિંદુ જમીનથી 8 કિ.મી. ઊંડે અને 27 કિ.મી. વિસ્તારમાં નોંધાયો હતો.
અફઘાનિસ્તાન ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે કારણ કે તે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સની વચ્ચે આવેલા ફૉલ્ટ લાઇન પર આવેલું છે. પૂર્વી અફઘાનિસ્તાનનો પર્વતીય વિસ્તાર ભૂસ્ખલન માટે પણ જાણીતો છે, જેના કારણે રાહત કામગીરી વધુ મુશ્કેલ બની જાય છે.
ગત વર્ષે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જે દર્શાવે છે કે કુદરતી આફતો માટે વિશ્વના ગરીબતમ દેશોમાંનું એક અફઘાનિસ્તાન કેટલી નબળી સ્થિતિમાં છે.
ગત 7 ઓક્ટોબર, 2023ના રોજ આવેલા 6.3 મેગ્નિટ્યુડના ભૂકંપમાં પણ અફઘાનિસ્તાનમાં ભારે વિનાશ સર્જાયો હતો. તે સમયે તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે ઓછામાં ઓછા 4,000 લોકોના મોત થયા હતા. આ અફઘાનિસ્તાનના તાજેતરના ઇતિહાસમાં સૌથી જીવલેણ કુદરતી આફત ગણાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના સંકલન કાર્યાલય (OCHA) મુજબ, ગયા દાયકામાં અફઘાનિસ્તાનમાં ભૂકંપોથી 7,000 થી વધુ લોકોના મોત થયા છે. સરેરાશ દર વર્ષે 560 લોકોના મોત થાય છે.
મે 1998માં ઉત્તર અફઘાનિસ્તાનના તકહાર અને બદાવશાન પ્રાંતોમાં આવેલા ભૂકંપમાં લગભગ 4,000 લોકોનાં મોત થયા હતા. આ આપત્તિમાં લગભગ 100 ગામડાં તથા 16,000 મકાનો નષ્ટ અથવા નુકસાન પામ્યા હતા અને 45,000 લોકો નિરાશ્રિત બન્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપતાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનના કુનર પ્રાંતમાં આવેલા વિનાશકારી ભૂકંપ ચિંતાનો વિષય છે. આ સંકટની ઘડીમાં અમે અફઘાન પ્રજાજનો સાથે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરીએ છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે, “ભારત આ કપરા સમયમાં જરૂરી મદદ પૂરી પાડશે. પીડિતોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે અને ઘાયલોના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.”