13 વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલા પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન

દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રીએ ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલું પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ‘નન્હે સપને નઈ ઉડાન’ કાર્યક્રમમાં બાળકોના ઘડતર, શિક્ષણ અને સંસ્કાર થકી રાષ્ટ્રનિર્માણ વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલા પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું હતું. Release of the book ‘Things I Scribbled Before Growing Up’ written by 13-year-old Vanshika Singh
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારતના બાળકો વિવિધ ક્ષેત્રોમાં કીર્તિમાન સ્થાપી રહ્યા છે. જ્યારે બાળક લેખન, રમતગમત, શિક્ષણ કે નોકરી જેવા ક્ષેત્રોમાં આગળ વધે, ત્યારે તે પરિવાર માટે ખુશીનો અવસર હોય છે. તેમણે આવા આયોજનોને બાળકો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા, જેનાથી તેમને પોતાના માર્ગે આગળ વધવાની ધગશ વધે છે.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય છે. બાળકના એક સંકલ્પથી દેશ અનેક ડગલાં આગળ વધી શકે છે. તેમણે નાનપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનારા માતા-પિતા અને ગુરુજનોની પ્રશંસા કરી હતી.
રાજ્યપાલશ્રીએ ‘મહાજનો યેન ગતઃ સ પંથા:’ એટલે કે મહાન લોકો જે માર્ગે ચાલ્યા હોય, તેને અનુસરવાની સલાહ આપી હતી. તેમણે વાલીઓને જણાવ્યું કે, બાળકોના શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે તેઓ કેવું ભોજન લે છે, તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર રાખવા અને સારી સંગત, સારા-નરસાનું ભાન તથા વિવેક શીખવવાની વાત કરી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જો બાળક સચવાઈ જશે, તો દેશ અને સમાજ પણ સચવાઈ જશે.
આ ઉપરાંત, તેમણે ગુલામીના સમયગાળા, અંગ્રેજી શાસન, વિદેશી આક્રમણકારો અને મેકોલોની શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ કરીને માતૃભાષાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.
રાજ્યપાલશ્રીએ ભોજન અને સ્વાસ્થ્ય પર ભાર મૂકતા કહ્યું કે, શરીરમાં કોઈ પણ રોગ અચાનક આવતો નથી, પરંતુ વર્ષોથી ધીમે ધીમે પાંગરતો હોય છે. તેમણે રાસાયણિક ખાતરોથી ઉત્પન્ન થયેલા ખોરાકને ધીમા ઝેર સમાન ગણાવી, સૌને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા અનાજ અને શાકભાજી આરોગવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું અનિવાર્ય છે. તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવીને નેચરોપેથી અને નૈસર્ગિક જીવનશૈલીના મહત્ત્વ વિશે પણ સમજાવ્યું.
કાર્યક્રમના અંતે, પ્રોફેસર શશિકાંત શર્માએ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વંશિકા સિંઘના પરિવારજનો અને એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.