અમદાવાદમાં તાંત્રિક વિધિના બહાને યુવકે યુવતી પાસેથી પૈસા પડાવ્યા

AI Image
181 મહિલા હેલ્પલાઈન આવી યુવતીની મદદે-યુવક અને યુવતી વચ્ચેનાં ઝઘડાનાં નિરાકરણમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદમાં તાજેતરમાં 181 અભયમ હેલ્પલાઇન પર એક યુવતીએ કોલ કરીને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મદદ માંગી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, એક મેલીવિદ્યા કરનાર યુવકે લગ્ન કરવાની લાલચ આપીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.
181ની ટીમ તુરંત આ યુવતીની મદદે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીએ જણાવ્યું હતું કે, તેના અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ચાલી રહી હતી. આ સમય દરમિયાન તે એક મેલીવિદ્યા કરનાર યુવકના સંપર્કમાં આવી હતી, જે બે બાળકોનો પિતા હતો. યુવકે તેના મનમાં શંકાઓ ઊભી કરી હતી અને તેને તાંત્રિક વિધિ કરાવવા માટે પ્રેરિત કરી હતી.
વધુમાં, યુવતીએ જણાવ્યું હતું કે, રોજની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવકે યુવતીને વિશ્વાસ અપાવ્યો હતો કે, તે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે. આ લાલચ આપીને તેણે યુવતી પાસેથી ધીમે-ધીમે કરી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.
તેમ કરતા યુવતીએ કુલ 70 હજાર રૂપિયા યુવકને આપ્યા હતા. એટલું જ નહીં, જ્યારે તે યુવકના ઘરે જતી, ત્યારે યુવકનાં માતા-પિતા અને બહેન પણ નાના-મોટા ખર્ચના બહાને તેની પાસેથી પૈસા લેતાં હતા.
આ ઘટનાક્રમ પાંચ મહિના સુધી ચાલ્યો હતો. ત્યારબાદ છેલ્લા એકાદ મહિનાથી યુવકે આ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને તેને ફોન પર બ્લોક કરી દીધી હતી. યુવતીએ તેને મળવા બોલાવ્યો, પરંતુ તે આવ્યો નહીં અને અને યુવકે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
આખરે, આ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. યુવક અને યુવતી વચ્ચે ઝઘડાનું નિરાકરણ ન આવતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
181 અભયમ ટીમની નોંધપાત્ર કામગીરીના કારણે સમસ્યાઓથી ઘેરાયેલી મહિલાઓ રાહતની લાગણી અનુભવે છે. 181 અભયમ હેલ્પલાઈન નાગરિકોની અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત્ છે.