GTUમાં ભરતીમેળોઃ કેમ્પસમાં ઇન્ટરવ્યૂ લઈને સ્થળ પર જ કંપનીઓ નોકરીની ઓફર આપશે

ગુજરાત યુનિવર્સિટીમાં ગુરુવારે જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર તેમજ મદદનીશ નિયામક, રોજગાર કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવન ખાતે એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળો ગુરુવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે શરૂ થશે, જેમાં વિવિધ સેક્ટરની ૨૫થી વધુ નામાંકિત કંપનીઓ ભાગ લેશે. આ કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, બેન્કિંગ સહિતના ક્ષેત્રો માટે વિવિધ જગ્યાઓ પર ભરતી કરશે.
આ ભરતી મેળામાં ઉપલબ્ધ મુખ્ય પોસ્ટ્સમાં બેક ઓફિસ ટેકનિશિયન, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ એન્જિનિયર, સર્વિસ એન્જિનિયર, કસ્ટમર સપોર્ટ, ક્યુ.સી. પ્રોડક્શન એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ, નર્સિંગ, ગ્રાફિક ડિઝાઇન, ટેલિકોલર, પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાફ્ટ્સમેન જેવી ઘણી અન્ય પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
આ ભરતી મેળામાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી, એમ.કોમ., બી.એસસી., એમ.એસસી., નર્સિંગ, બી.ટેક., સિવિલ સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખીને તા. ૦૪-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં કંપનીઓ સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લઈને લાયક ઉમેદવારોને નોકરીની ઓફર આપશે.