સરખેજમાં ભાડાના મકાનમાં ચાલતી હતી દારૂની ફેકટરી

File
(એજન્સી) અમદાવાદ, અમદાવાદની સરખેજ પોલીસે રવિવારે મોડી રાત્રે શહેરની બહારના ભાગમાં આવેલા ફતેહવાડી કેનાલ વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.
પોલીસે દરોડા દરમિયાન, બનાવટી દારૂની બોટલિંગ કરવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી ફ્લેવર એસેન્સ, આલ્કોહોલ મીટર અને લગભગ ૨,૦૦૦ ખાલી બોટલો સહિત ૩૦૦ લિટરથી વધુનો કાચો માલ જપ્ત કર્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ૫૦,૦૦૦ છે. આ નાની ફેક્ટરી એક ભાડાના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાન બંધ હતું.
મકાનમાલિકની મદદથી પોલીસ અધિકારીઓએ મકાનમાં પ્રવેશ કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે જે આરોપીએ મકાન ભાડે રાખ્યું હતું, તે હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે જણાવ્યું કે, ‘આરોપી આ કેસમાં વોન્ટેડ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે રસાયણોનો ઉપયોગ કરીને નકલી અંગ્રેજી દારૂ બનાવતો હતો અને તેને બોટલોમાં ભરતો હતો.
અમે તપાસ કરી રહ્યા છીએ કે આ સપ્લાય ચેઇન અમદાવાદ બહાર સુધી ફેલાયેલી છે કે કેમ?’ અમે આરોપીની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેને પકડી પાડવામાં આવશે. આ કાર્યવાહી ગુજરાતમાં દાયકાઓથી અમલમાં રહેલા દારૂબંધીના કાયદા હેઠળ ગેરકાયદેસર દારૂના વેપાર પર ચાલી રહેલી કાર્યવાહીનો એક ભાગ છે.