ગ્રામીણ વિસ્તારોને ઓલ-વેધર અને મજબૂત માર્ગોની સુવિધા આપવા 2609 કરોડ મંજૂર

પ્રતિકાત્મક
૪૧૯૬ કિલોમીટરના રસ્તા માટે ૨૬૦૯ કરોડ મંજૂર -આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોને બારેમાસ ઉપયોગમાં લઈ શકાય તેવા અને મજબૂત માર્ગોની સુવિધા પ્રાપ્ત થશે
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ગુજરાતના માર્ગોની ગુણવત્તા સુધારવા અને કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના કુલ ૪૧૯૬ કિલોમીટર લંબાઈના ૧૨૫૮ રસ્તાઓના રિસરફેસિંગ અને સમારકામ માટે રૂ.૨,૬૦૯ કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોને બારેમાસ ઉપયોગમાં લઈ શકાય તેવા (ઓલ-વેધર) અને મજબૂત માર્ગોની સુવિધા પ્રાપ્ત થશે, જેના પરિણામે ગામડાઓનું આર્થિક અને સામાજિક જીવન વધુ સુગમ બનશે. આ પ્રોજેક્ટ્સને ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે, જેથી સમગ્ર રાજ્યના ગામડાઓનો સમાન વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક સુધારવા માટે એક દૂરોગામી નિર્ણય લીધો છે. લાંબા સમયથી જનપ્રતિનિધિઓ અને નાગરિકો તરફથી ગામડાઓમાં બારેમાસ ચાલુ રહે તેવા, ટકાઉ અને સુગમ માર્ગોની માંગ હતી.
આ માંગને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ રાજ્યભરના ગ્રામીણ માર્ગોને સશક્ત બનાવવા માટે ?૨,૬૦૯ કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે. આ ભંડોળનો ઉપયોગ પંચાયત હેઠળ આવતા માર્ગોના રિસરફેસિંગ અને તેને સંબંધિત અન્ય કાર્યો માટે કરવામાં આવશે.
આ ભંડોળ દ્વારા કુલ ૪૧૯૬ કિલોમીટરના ૧૨૫૮ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. આ પ્રાજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોને શહેર અને મુખ્ય માર્ગો સાથે વધુ સારી રીતે જોડવાનો છે, જેનાથી વાહનવ્યવહાર સરળ બનશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
આ પ્રાજેક્ટને ત્રણ પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે જેથી દરેક વિસ્તારમાં સમાન વિકાસ થાયઃ
ઉત્તર ગુજરાતઃ આ પ્રદેશમાં ૧૬૦૯ કિલોમીટર લંબાઈના કુલ ૪૮૭ માર્ગોના સમારકામ અને રિસરફેસિંગનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ પગલું ઉત્તર ગુજરાતના ગામડાઓને વધુ સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપશે.
દક્ષિણ ગુજરાતઃ દક્ષિણ ગુજરાતમાં ૧૫૨૮ કિલોમીટરના ૪૯૯ માર્ગોને નવીન સ્વરૂપ આપવામાં આવશે. ચોમાસામાં પણ સરળતાથી અવરજવર થઈ શકે તેવા ઓલ-વેધર રોડ અહીંના સ્થાનિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સૌરાષ્ટ્રઃ સૌરાષ્ટ્રના ગામડાઓને જોડતા ૧૦૫૯ કિલોમીટરના ૨૭૨ ગ્રામીણ માર્ગોનું રિસરફેસિંગ કરવામાં આવશે. આનાથી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો પણ રાજ્યના મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે વધુ અસરકારક રીતે જોડાઈ શકશે.
આ માર્ગોનું કાર્ય પૂર્ણ થતાં ગ્રામીણ રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે, જે નાના ગામોથી લઈને તાલુકા અને જિલ્લા મથકો સુધીની અવરજવરને સરળ બનાવશે. આ પગલું માત્ર પરિવહન જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોના જીવનધોરણને સુધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.