Western Times News

Gujarati News

દારૂ પીવાની ટેવ ધરાવતા પિતાએ દિકરાના ગળામાં ઓઢણી વીંટાળી રાખી ખેંચી અને…

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, ચીખલીના રેઠવાણીયામાં દારૂ પીને રોજ ઝઘડો કરતા પુત્રના ત્રાસથી અકળાયેલા પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે. પુત્ર રોજે રોજ નશાની હાલતમાં આવી માતા-પિતા સાથે ઝઘડો કરતા આવેશમાં આવેલા પિતાએ ઓઢણીથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારતા નવજાત પૌત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ચીખલી પોલીસના કહેવા પ્રમાણે ચીખલીના રેઠવાણીયા ગામના હળપતિ (ઉ.વ.૬૧)ને બે સંતાન છે. નાના દિકરાનું ચારેક વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું. મોટો દિકરો જીતેન્દ્ર છનાભાઈ હળપતિ (ઉ.વ.૩પ) ડ્રાઈવર કરતો હોય અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જીતેન્દ્ર નાની નાની વાતમાં અવાર નવાર માતા-પિતા સાથે ઝઘડો કરતો હતો. ગઈકાલે સાંજે જમતી વેળા રસોઈ બાબતે ઝઘડો કર્યો હતો જમ્યા પછી ઘરમાં પલંગ ઉપર જીતેન્દ્ર સૂઈ ગયો હતો.

રાત્રે ૯ઃ૩૦ વાગ્યાના સમયે ઘરમાં ફરી ઝઘડવાનો અવાજ આવતા માતા જોવા ગઈ હતી. પિતા છનાભાઈએ દિકરા જીતેન્દ્રના ગળામાં ઓઢણી વીંટાળી રાખી ખેંચી રાખતા તેણે દમ તોડી દીધો હતો. દોડી આવેલી માતાએ જણાવ્યું કે, તું આ શું કરે છે, આ આપણો એકનો એક જ દિકરો છે, તું આવું ન કર પરંતુ મગજ પર શૈતાન સવાર થઈ ગયો હોઈ જીતુ રોજે રોજ દારૂ પીને આવી મને બોલતો આવ્યો છે, મારી સાથે લડતો રહે છે. આજે તો તેને હું મારી જ નાંખીશ.

જીતેન્દ્રની માતાના આક્રંદથી આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા અને તેને રાનકૂવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પીઆઈ ડી.એસ.કોરાટે કહ્યું કે, બનાવ અંગે મૃતકની માતા મધુબેન છનાભાઈ હળપતિ (ઉ.વ.પપ, રહે.રેઠવાણિયા, હળપતિવાસ, તા.ચીખલી)એ ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી છનાભાઈ બાબરભાઈ હળપતિની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.