સરકારી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ પછી પરિવારજનો પાસેથી કફનના નામે રૂપિયા વસૂલાઈ રહ્યાની ફરિયાદો

પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ ઢાંકવા કફનના રૂપિયા ન વસૂલવા પરિપત્ર કરવો પડ્યો
અમાનવિયતાની ફરિયાદો ઉઠતા નિયામકનો આદેશ-હોસ્પિટલના અધિકારી સામે એકશન લેવાશે ઃ નિયામક
ગાંધીનગર, એક તરફ રાજયમાં માર્ગ અકસ્માતોમાં રસ્તા પર મૃત્યુ પામતા નાગરિકોના મૃતદેહને તત્કાળ ઓઢણ મળે તેવા ઉદ્દેશ્યથી સેંકડો રાહદારી વાહનચાલકો પોતાની કારમાં ચાદર સહિતનું કાપડ રાખતા થયા છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ પછી મૃતકોના પરિવારજનો પાસેથી કફન અને સામગ્રીના નામે સ્ટાફ દ્વારા રૂપિયા વસૂલાઈ રહ્યાની ફરિયાદો થઈ રહી છે.
આ અત્યંત સંવેદનશીલ મુદ્દે અમાનવીય હરકતોને રોકવા આરોગ્ય નિયામકે રાજયની તમામ સરકારી હોસ્પિટલોના અધિક્ષકો, મુખ્ય અધિકારીઓને પરિપત્ર મારફતે આદેશ કર્યો છે. જેમાં પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને ઢાંકવા વપરાતા કફન સહિતની સામગ્રી માટે રૂપિયા ન વસૂલવાની સૂચના અપાઈ છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામકની સહીથી શુક્રવારે તમામ મુખ્ય જિલ્લા અધિકારી અને સિવિલ સર્જન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલ, મેડિકલ કોલેજને એક આદેશ કરવામાં આવ્યો છે.
જેમાં કહેવાયું છે કે, પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે અગાઉ પરિપત્રોથી સૂચનાઓ આપવામાં આવી છે. હવે ફરીથી આ પરિપત્ર મારફતે આદેશ કરવામાં આવે છે કે, અકસ્માત વખતે પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને ડેડબોડી પહોંચાડવાની પણ વ્યવસ્થા તરત જ થવી જોઈએ. પોસ્ટમોર્ટમ સમયસર કરવું એ એક સંવેદનશીલ અને નાજુક વિષય હોવાથી આ કામગીરી- પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી- તબીબ અને કર્મ્ચારી સહિતના સ્ટાફે મૃતકના સગાંઓ સાથે સુમેળભર્યું વર્તન કરવું અપેક્ષિત છે.
આથી હોસ્પિટલમાં જયારે પણ મૃતદેહ આવે ત્યારે નિયમોનુસાર અર્થાત દિવસે કે રાત્રે સમયસર પોસ્ટમોર્ટમ કરવું અને મૃતકના પરિવારજનો પાસેથી પોસ્ટમોર્ટમમાં કફન તથા અન્ય સામગ્રીના નામે પૈસા લેવા નહી. આ સિવાય નિયમાનુસાર પ્રમાણપત્ર પણ આપવું. જો આ બાબતે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો અથવા ફરિયાદ મળી તો તેની સઘળી જવાબદારી જે તે હોસ્પિટલના સક્ષમ અધિકારીની રહેશે.