મહુવાના ખેડૂતની જમીન માલિકીનો વર્ષો જૂનો પ્રશ્ન સ્વાગત કાર્યક્રમના માધ્યમથી ઉકેલાઈ ગયો

File
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાગતના માધ્યમથી 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો SWAGAT ઓનલાઇન કાર્યક્રમ
ગુજરાત સરકાર છેલ્લા બે દાયકામાં જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી વિવિધ પહેલોને અમલી બનાવવામાં મોખરે રહી છે. સુશાસનને પ્રોત્સાહિત કરનારી આવી જ એક પહેલ છે- SWAGAT એટલે કે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય ઍપ્લિકેશન ઑફ ટેક્નોલૉજી. વર્ષ 2003માં જ્યારે વિશ્વ ડિજિટલ ક્રાંતિ માટે તૈયાર થઇ રહ્યું હતું, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સામાન્ય જનતા અને વહીવટીતંત્ર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલૉજીમાં રહેલી ક્ષમતાનો અહેસાસ થયો અને તેમણે સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી સમક્ષ કરી શકે છે.
નોંધનીય છે કે, સ્વાગત કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યારસુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નાગરિકો દ્વારા કુલ 15,84,535 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી 15,79,002 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
SWAGAT: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં 2,39,934 પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સ્વાગત કાર્યક્રમની બાગડોર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ સ્વાગત કાર્યક્રમ મારફતે રાજ્યના નાગરિકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે.
દર મહિનાના ચોથા ગુરૂવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રીશ્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 2,39,934 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા ભરતભાઈ કાબાભાઈ ખોડીફાડને પોતાના જ પ્લોટની માલિકી સત્તાવાર રીતે મળી ન હતી. મહુવા નગરપાલિકાએ ગરીબ લોકોને પ્લોટ ફાળવવા માટે ભરતભાઈના દાદાની 9 એકરની જમીન સંપાદન કરેલી હતી. આ જમીન પૈકી તેમને મળવાપાત્ર રહેણાંકની જમીનનો કબજો નગરપાલિકાએ સુપરત કર્યો ન હતો. આ જમીન તેમને રહેણાંક હેતુ માટે ફાળવવાનો ઠરાવ વર્ષ 1967માં નગરપાલિકાએ કર્યો હતો.
જોકે, તેમના વડવાઓની અજ્ઞાનતાને લીધે જમીન પરના મકાનનો દસ્તાવેજ કરાવેલ ન હતો. તેમણે જ્યારે દસ્તાવેજ કરાવવા માટે નગરપાલિકા પાસે પરમિશન માગી ત્યારે તેમને ફરીથી વિભાગની મંજૂરી લેવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરતભાઈએ મકાન પોતાના નામે કરાવવા માટે તાલુકા, જિલ્લા અને છેલ્લે રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરી હતી.
ભરતભાઈ કહે છે કે, “મુખ્યમંત્રીશ્રીએ મિત્રભાવે મારી ફરિયાદ સાંભળી અને તેમણે આ મુદ્દે સંબંધિત અધિકારીઓને જમીનનો દસ્તાવેજ કરી આપવા સૂચના આપી હતી. આમ, મુખ્યમંત્રીશ્રીના હસ્તક્ષેપના કારણે મારો વર્ષો જૂનો મુદ્દો ઉકેલાઈ ગયો અને મારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે જે લોનની જરૂર હતી, એની પ્રક્રિયા અમે કરી શક્યા.”
કેવી રીતે કાર્ય કરે છે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ?
ઉલ્લેખનીય છે કે, સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અને તેને સમકક્ષ વર્ગ-૧ના ઑફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે.
ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
આ ઉપરાંત, રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો રૂબરૂ અથવા ટપાલ કે પોસ્ટ દ્વારા પણ માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને મોકલાવે છે. આ અરજીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સંબંધિત જિલ્લાને મોકલીને લોકોના પ્રશ્નો સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો) ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીના કાર્યાલયને મોકલાવી શકે છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઇઝ ઑફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશાં પ્રતિબદ્ધ છે.