SOGની ટીમે ગામડાઓમાં ચાલતી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પ્રવૃત્તિ ઝડપી

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના દહેજ વિસ્તારના જોલવા અને વડદલા ગામે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે ઈસમોને કુલ રૂપિયા ૪૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની જોખમી પ્રવૃત્તિ કરનાર ઈસમોને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ હતી.તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાએ એસઓજી ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપેલ હતી.
આ દરમ્યાન એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે જોલવા ગામે મિલેનિયમ માર્કેટ નજીક રહેતો શશી નામનો ઈસમ તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ રિફિલિંગ કરી ગેસની બોટલોનું વેચાણ કરે છે.
એસઓજી ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર ઈસમ શશી જદ્દુ કેવટ હાલ રહે.ગામ જોલવા તા.વાગરા અને મુળ રહે.બિહારનાને ગેસની નાનીમોટી બોટલો, ઈલેક્ટ્રિક કાંટો,રિફિલિંગ પાઈપ સહિત રૂપિયા ૨૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુધ્ધ દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.