દેશને મળી પહેલી સ્વદેશી 32-બિટ ચીપ ‘વિક્રમ’, ISRO લેબમાં બનાવાઈ

નવી દિલ્હી, ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા તરફના મહત્વપૂર્ણ પગલા રૂપે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે દેશનો પહેલો સ્વદેશી પ્રોસેસર અને ચાર મંજૂર પ્રોજેક્ટોના ટેસ્ટ ચિપ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યા.
ISROની સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) દ્વારા વિકસાવવામાં આવેલ આ સંપૂર્ણ સ્વદેશી 32-બિટ માઇક્રોપ્રોસેસરનું નામ ‘વિક્રમ’ રાખવામાં આવ્યું છે. આ ચીપ ખાસ કરીને અંતરિક્ષ લોન્ચ વ્હીકલ્સના કઠોર પર્યાવરણીય પરિસ્થિતિઓને ઝીલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. દેશના આયાતી ચીપ પરના આધારને ઘટાડવા માટેનો આ એક માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.
અશ્વિની વૈષ્ણવે ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કાર્યક્રમમાં ભારતની સેમિકન્ડક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલી ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, “માત્ર 3.5 વર્ષમાં જ સમગ્ર વિશ્વ ભારત તરફ આત્મવિશ્વાસપૂર્વક જોઈ રહ્યું છે. આજે પાંચ સેમિકન્ડક્ટર યુનિટ્સનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને દેશનો પહેલો ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચીપ અમે વડાપ્રધાનને અર્પણ કર્યો છે.”
A defining chapter in India’s semiconductor journey is unfolding, with innovation and investment driving a new wave of growth. Addressing Semicon India 2025 in Delhi. https://t.co/5jurEGuYnI
— Narendra Modi (@narendramodi) September 2, 2025
સરકારે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં 10 મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં હાઈ-વોલ્યુમ ફેબ્રિકેશન યુનિટ્સ (Fabs), 3D હિટરોજેનિયસ પેકેજિંગ, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ અને OSAT (Outsourced Semiconductor Assembly and Testing)નો સમાવેશ થાય છે.
ડિઝાઇન આધારિત પહેલો હેઠળ 280થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને 72 સ્ટાર્ટ-અપ્સને એડવાન્સ્ડ ટૂલ્સ આપવામાં આવ્યા છે, જ્યારે 23 સ્ટાર્ટ-અપ્સને ડિઝાઇન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (DLI) સ્કીમ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.
ત્રણ દિવસીય આ ફ્લેગશીપ ઇવેન્ટમાં કીનોટ એડ્રેસ, પેનલ ચર્ચાઓ, પેપર પ્રેઝન્ટેશન અને છ આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ્સ યોજાશે. સાથે જ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં કરિયર અવસરોને રજૂ કરવા માટે વિશેષ ‘વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન’ પણ રાખવામાં આવ્યો છે.
Applied Materials, ASML, IBM, Infineon, Lam Research, Micron, Tata Electronics, SK Hynix અને Tokyo Electron જેવી અગ્રણી કંપનીઓની ભાગીદારી સાથે સેમિકોન ઇન્ડિયા 2025 ભારતને આગામી સેમિકન્ડક્ટર ઇનોવેશનની લહેરમાં આગળ ધપાવશે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં દેશની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
-
ચીન: ચીન ભારતનો સૌથી મોટો ચીપ સપ્લાયર્સ છે અને 50-57% જેટલા માર્કેટ શેર ધરાવે છે. ચીનમાંથી હજારો કરોડો રૂપિયાનું આયાત દર વર્ષે થાય છે.
-
તાઇવાન: તાઇવાન (મોટા ભાગે TSMC), વૈશ્વિક અને ભારતીય માર્કેટમાં અદ્યતન ચીપ્સ માટે જાણીતું છે. તેનો હિસ્સો લગભગ 18-40% છે.
-
દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયા (Samsung, SK Hynix) મુખ્ય મેરી ચીપ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક ભાગ પૂરાં પાડે છે, જે કુલ આયાતના 9% જેટલા છે.
-
જાપાન: રેનેસાસ, ટોશીબા જેવા ફર્મ્સના મારફતે મેડિકલ, ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર ચીપ્સ પહોંચે છે.
-
સિંગાપોર: ગ્લોબલ ટ્રેડિંગ હબ તરીકે, ચીપ્સ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સના મોટાભાગના આયાત નિયમિત બની રહે છે.
-
યુનાઇટેડ સ્ટેટ્સ: Intel, Qualcomm, Texas Instruments જેવા અમેરિકા સ્થિત બ્રાન્ડ્સ ભારત માટે અદ્યતન કોમ્પ્યુટર ચીપ્સ અને પ્રોસેસર સપ્લાય કરે છે.
-
મલેશિયા, વિયેતનામ: આ દેશો પણ કોમ્પ્યુટર ચીપ્સ અને પ્રોસેસરની આયાતમાં નોંધપાત્ર છે.