વર્કપ્લેસ તરીકે એશિયાના દેશોમાં ભારત સૌથી શ્રેષ્ઠ

નવી દિલ્હી, કામ કરવા માટેના એશિયાના શ્રેષ્ઠ દેશોમાં ભારતે સર્વાેચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. એશિયાની ટોચની ૧૦૦ પૈકીની ૪૮ કંપનીઓ ભારતમાં કામગીરી ધરાવે છે.
નોકરીના સ્થળના માહોલ અને વર્ક કલ્ચર અંગેનો સરવે કરતી ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ નામની વૈશ્વિક સર્વેક્ષણ કંપનીએ જારી કરેલા એક અહેવાલ અનુસાર, ભારતમાં કામ કરતી આ ૪૮ કંપનીઓ મોટી કંપનીઓની કેટેગરીમાં આવે છે.
આ ઉપરાંત મધ્યમ કદમાં આવતી ૧૨ કંપનીઓ પણ ભારતમાં કામગીરી ધરાવે છે. કામ કરવાના સ્થળોએ બહેતર માહોલ અને સાનુકૂળ વર્કકલ્ચર તથા કર્મચારીઓને યોગ્ય અનુભવ પૂરો પાડવાના મામલે ભારત સતત આગેકૂચ કરી રહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ મુજબ, ૨૦૨૫ માટેની આ યાદીમાં સમાવાયેલી કંપનીઓમાં એશિયાની સામાન્ય કંપનીઓની તુલનામાં હકારાત્મક કાર્ય અનુભવ ધરાવતા કર્મચારીઓની સંખ્યા વધુ છે.
પોતાના કર્મચારીઓ સાથે મજબૂત સંબંધો જાળવતી અને તેમની પર અતૂટ વિશ્વાસ ધરાવતી કંપનીઓ જનરેટીવ એઆઈના વધતાં પ્રભાવ સહિતના વિક્ષેપોનો સામનો કરવા વધુ બહેતર રીતે સજ્જ હોય છે તેમ અહેવાલમાં જણાવાયું છે.
ગ્રેટ પ્લેસ ટુ વર્કના સીઈઓ માઈકલ સી. બુશે જણાવ્યું હતું કે, “આ અગ્રણી કંપનીઓ સમુદાયોને વધુ મજબૂત, રાષ્ટ્રોને વધુ સમૃદ્ધ અને વિશ્વને વધુ બહેતર સ્થાન બનાવતા કાર્યસ્થળોનું નિર્માણ કરીને માર્ગદર્શન પૂરું પાડી રહી છે.”
કર્મચારીઓને દરેક બાબતમાં હકારાત્મક અનુભવ થાય તેવા પગલાંનો અમલ ‘૨૦૨૫ બેસ્ટ વર્કપ્લેસ ઈન એશિયા’માં સામેલ કંપનીઓને અન્ય કંપનીઓથી જુદી તારવે છે. આ વર્ષની યાદીમાં સામેલ ભારતમાં કાર્યરત કંપનીઓમાં પૈકીની નોવાર્ટિસ, સ્નાઈડર ઈલેક્ટ્રિક, એરિક્સન, વિઝા તથા એનવિડીયાનો સમાવેશ મોટી કંપનીઓની કેટેગરીમાં કરાયો છે.
સમગ્ર એશિયાના આશરે ૩૨ લાખથી વધુ લોકોના અભિપ્રાયના આધારે તૈયાર કરાયેલો આ અહેવાલ સમગ્ર એશિયાના અંદાજે ૭૫ લાખ જેટલાં કર્મચારીઓના અનુભવો દર્શાવે છે. અહેવાલમાં જણાવ્યાં અનુસાર, અગાઉના વર્ષના ૮૬ ટકાની તુલનાએ ચાલુ વર્ષે ૯૧ ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેમના કામકાજને લગતાં નિર્ણયોમાં તેમને સામેલ કરવામાં આવે છે.SS1MS