કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનથી હિમાચલ, ઉત્તરાખંડમાં ૭નાં મોત

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ ઘટનાઓમાં ૭ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ છે.
બીજી બાજુ મુશળધાર વરસાદને કારણે પૂરગ્રસ્ત પંજાબની હાલત વધુ ખરાબ થઈ છે. અનેક વિસ્તારો જળમગ્ન થતાં સોમવારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. ભૂસ્ખલનને કારણે શિમલા-કાલકા ટ્રેક પર દોડતી છ ટ્રેનો રદ કરવામાં આવી છે, અને રાજ્યમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગાે સહિત ૭૯૩ રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે મંગળવાર સુધી ૬ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં શિમલા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં ૩૫ વર્ષીય પુરુષ અને તેની પુત્રી સહિત પાંચ લોકોના મોત અને ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર ભૂસ્ખલનમાં બે યાત્રાળુઓના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં ઓગસ્ટ મહિનામાં ૭૬ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ઓગસ્ટમાં ૪૩૧.૩ મીમી વરસાદ નોંધાયો છે, જે ૧૯૪૯ પછીનો સૌથી વધુ વરસાદ છે.
જ્યારે પંજાબમાં ઓગસ્ટમાં ૨૫૩.૭ મીમી વરસાદ પડ્યો હતો, જે સામાન્ય કરતાં ૭૪ ટકા વધુ છે અને ૨૫ વર્ષમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ છે.કટરા શહેરમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત કરાઈ હતી.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શાહે તાજેતરના પૂરથી પ્રભાવિત લોકોના પુનવર્સન માટે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. રાજભવન ખાતેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં શાહે બચાવ કાર્યમાં રોકાયેલી એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.SS1MS