બિહાર એસઆઈઆરની સમયમર્યાદા લંબાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી, બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)માં નામ ઉમેરવા, વાંધા રજૂ કરવા અથવા તો સુધારો કરવા માટેની એક મહિનાની સમયમર્યાદા સોમવારે પૂરી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે એસઆઈઆર માટે વધુ સમય આપવાનો ઈનકાર કર્યાે હતો. મતદાતાઓ ૧ સપ્ટેમ્બર પછી પણ યાદીમાં નામ ઉમેરવાની કે તે અંગે વાંધા રજૂ કરવાની કે તેમાં સુધારા કરવા અંગેની રજૂઆત કરી શકશે તેવી ચૂંટણી પંચે આપેલી ખાતરી બાદ સુપ્રીમે આ સમયમર્યાદા લંબાવવાનો ઈનકાર કર્યાે હતો.
બિહાર એસઆઈઆર માટે ચૂંટણી પંચે જારી કરેલા કાર્યક્રમ અનુસાર, રાજ્યની અંતિમ મતદાર યાદી ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરાશે. જસ્ટિસ સૂર્યકાંત તથા જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે પોતાના જવાબમાં જણાવ્યું છે કે, ૧ સપ્ટેમ્બરની ડેડલાઈન પછી પણ દાવા, વાંધા કે સુધારા રજૂ કરવા પર રોક નથી લગાવાઈ.
૧ સપ્ટેમ્બર પછી પણ જ્યાં સુધી અંતિમ મતદાર યાદી તૈયાર ના થાય ત્યાં સુધી તે સ્વીકારવામાં આવશે. એટલું જ નહીં આ પ્રક્રિયા નામાંકનની છેલ્લી તારીખ સુધી ચાલુ રહશે અને ઉમેરાયેલાં કે રદ્દ કરાયેલાં તમામ નામો અંતિમ મતદાર યાદીમાં સમાવી લેવાશે. આ સાથે જ સર્વાેચ્ચ અદાલતે રાજકીય પક્ષોને ચૂંટણી પંચે આપેલા જવાબ અંગે પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરવા મંજૂરી આપી હતી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે બિહાર એસઆઈઆરની કવાયતને વિશ્વાસને લગતો મુદ્દો ગણાવી, વ્યક્તિગત મતદારો તથા રાજકીય પક્ષોને દાવા અને વાંધા રજૂ કરવાની પ્રક્રિયામાં મદદ કરવા કાયદા ક્ષેત્રે સંકળાયેલા સ્વયંસેવકોને તૈનાત કરવા નિર્દેશ આપ્યો હતો.
બેન્ચે જણાવ્યું હતું કે, આ સ્વયંસેવકોએ તેમના સંબંધિત ડિસ્ટ્રિક્ટ જજને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ આપવાનો રહેશે, અને એકત્રિત કરાયેલી આ તમામ માહિતી પર ૮ સપ્ટેમ્બરના રોજ વિચાર કરાશે.
બિહારમાં વિશેષ મતદાર સુધારણા યાદીમાં નામ ઉમેરવા, વાંધા રજૂ કરવા અથવા તો સુધારો કરવા માટેની એક મહિનાની સમયમર્યાદા ૧ સપ્ટેમ્બરે પૂરી થઈ હતી.
સોમવારે છેલ્લાં દિવસે ૨.૧૭ લાખ લોકોએ પોતાનું નામ ખોટી રીતે મતદાર યાદીમાં સમાવાયું હોવાનું જણાવી તેને કમી કરવા માટે અરજી કરી હતી. જ્યારે ૩૬,૦૦૦થી વધુ લોકોએ યાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે અરજી કરી હતી.SS1MS