પલસાણામાં કાપડની મિલમાં બોઇલર સાથે ડ્રમ ફાટતા બેનાં મોત, ૨૦ ઘાયલ

સુરત, સુરત જિલ્લાના પલસાણામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ઢળતી સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અને બોઇલર અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા હોવાની હકીકત સામે આવી છે. બોઇલર સાથેનું ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી હતી. પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાએ જણાવ્યું હતું કે, પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ મિલમાં બોઇલર સાથેનું ડ્રમ ફાટવાથી આગ લાગી હતી. સ્થળ પર બે કામદારના મોત નીપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે.
૨૦ લોકો ઈજાગ્રસ્ત છે, ઘાયલ તમામને હોસ્પિટલમાં ખસેડાયા છે. મિલમાં બોઇલર સાથેનું ડ્રમ ફાટતા ફાટી નીકળેલી આગને કાબૂમાં લેવા સુરત મહાપાલિકા, બારડોલી ફાયર બ્રિગેડના ૮થી ૧૦ ફાયર ટેન્ડર આગને ઓલવવાની કામગીરીમાં જોડાયેલા છે.
બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આગ ઝડપથી સમગ્ર મિલમાં ફેલાઈ ગઈ હતી. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી.
જીવ બચાવવા માટે કામદારો ભાગદોડ કરવા લાગ્યા હતા, પરંતુ કેટલાક કામદારો અંદર જ ફસાઈ ગયા હતા. સુરત જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.બચાવ ટીમે તપાસ દરમિયાન મિલની અંદરથી બે કામદારોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. બોઇલર સાથેનું કેમિકલ ડ્રમ ફાટવાનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સેફ્ટીના પ્રશ્નો પર ફરીથી ચર્ચા છેડી છે.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે, કારણ કે હજુ પણ કેટલાક કામદારો ગુમ છે. ઘટનાસ્થળે પહોંચેલા કામદારોના પરિવારજનો પોતાના સ્વજનો અંદર ફસાયેલા હોવાનું જાણી હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.SS1MS