ગૂગલ મેપથી સૌર ઊર્જા પ્લાન્ટમાંથી તારની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ભાવનગર, ભાવનગર પોલીસની પેરોલ-ફર્લાે સ્ક્વોડે છેલ્લાં બે વર્ષથી સૌર ઊર્જા પ્લાન્ટમાંથી કેબલ તારની ચોરી કરતી સક્રિય ટોળકીનો પર્દાફાશ કર્યાે છે. પોલીસે આ ટોળકીના ૬ સભ્યોને રૂ. ૧૦,૧૭,૬૦૦ની કિંમતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેનાથી કુલ ૮ ગુના ઉકેલાયા છે.આ ટોળકી રાત્રિના સમયે ચોરી કરતી હતી.
તેઓ ગૂગલ મેપનો ઉપયોગ કરીને દૂરના વિસ્તારોમાં આવેલા સૌર ઊર્જા પ્લાન્ટ્સ શોધી કાઢતા હતા. ત્યારબાદ, તેઓ બોલેરો પીકઅપ વાહન અને તાર કાપવાના કટર લઈને પ્લાન્ટમાં ઘૂસીને કેબલ તારની ચોરી કરતા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન આ ટોળકીને પકડવામાં આવી હતી.ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ. ૧૦,૧૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૧૨૨.૫ કિલોગ્રામ સૌર ઊર્જા પેનલનો કેબલ તાર (કિંમત રૂ. ૮૭,૫૦૦), ૨ નંગ સ્ટીલની ટાંકી (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦), રોકડ રૂ. ૫૦,૦૦૦, ૨ બોલેરો પીકઅપ ગાડીઓ (કિંમત રૂ. ૭,૦૦,૦૦૦), ૨ નંગ વાયર કટર (કિંમત રૂ. ૧૦૦) અને ૩ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૩૦,૦૦૦)નો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ ભરતભાઈ ડુંગરશીભાઈ વાઘેલા (ઉંમર ૩૧), લાલજીભાઈ ઉર્ફે લાલો કલ્યાણભાઈ ચૌહાણ (ઉંમર ૨૭), અજયભાઈ ઉર્ફે અજયો પ્રવીણભાઈ ડાભી (ઉંમર ૨૩), પરેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉંમર ૨૮), નીલેશભાઈ ઉર્ફે નીલુ ઉર્ફે ઘુઘો રાજુભાઈ રાઠોડ (ઉંમર ૨૮), અને રાધેશભાઈ ઉર્ફે રાધે ઘુઘાભાઈ વાઘેલા (ઉંમર ૨૫) તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ શિહોર, ભાવનગર અને આસપાસના ગામોના રહેવાસી છે.
આ ઉપરાંત, મહેશભાઈ મથુરભાઈ મકવાણા, ગોપાલભાઈ નરશીભાઈ મકવાણા, અજયભાઈ ડાયાભાઈ પરમાર, અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ગોપાલભાઈ ગોહેલ હજુ ફરાર છે, અને પોલીસ તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.આ ટોળકીની ધરપકડથી ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૮ ગુનાઓ ઉકેલાયા છે, જેમાં ગારિયાધારના ૨, પાલીતાણા ગ્રામીણના ૩, સોનગઢ, શિહોર અને વરતેજના ૧-૧ ગુનાનો સમાવેશ થાય છે.
આરોપીઓએ વલ્લભીપુર તાલુકાના મોટી ધરાઈ, કલ્યાણપુર અને ધરવાળા ગામની સીમમાં આવેલ સૌર ઊર્જા પ્લાન્ટ્સમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેમણે ઉમરાળાથી ધારુકા ગામ વચ્ચે એક નવા બની રહેલા મકાનમાંથી સળિયાની ચોરી પણ કરી હોવાનું કબૂલ્યું છે.SS1MS