ચાણસ્માના કંબોઈ ગામમાં આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીથી ખેડૂતનો આપઘાત

પાટણ, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામે આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીઓથી કંટાળીને એક ખેડૂતે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
આ બાબતે મૃતકના પુત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.કંબોઈ ગામના સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડી.વાય. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા.
પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબમાંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.
આ ત્રણેય જણા વારંવાર સહદેવસિંહના ઘરે આવતા હતા અને તેઓ સહદેવસિંહ, તેમના પિતા બળદેવજી અને પરિવારના અન્ય સભ્યોને ધમકીઓ આપતા હતા.
તેઓ કહેતા કે જો પૈસા પરત નહીં કરે તો આખા પરિવારને જાનથી મારી નાખશે અને તેમની ખેતીની જમીન પડાવી લેશે.સતત ધમકીઓથી ત્રસ્ત થઈને બળદેવજી સોલંકીએ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ તેમના ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી.
આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેઓ તેમને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ચાણસ્મા પોલીસ મથકે ધમકી આપનારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS