Western Times News

Gujarati News

બોલિવૂડમાં ઈતિહાસને મારી-મચેડીને રજૂ કરવામાં આવ્યો: અમિષ ત્રિપાઠી

મુંબઈ, અમિષ ત્રિપાઠીના પુસ્તક ‘ધ ચોલા ટાઈગર્સઃ એવેન્જર્સ ઓફ સોમનાથ’નું તાજેતરમાં લોકાર્પણ થયું છે. મુંબઈ ખાતે એક ઈવેન્ટમાં આ પુસ્તક વિષે ચર્ચા કરતી વખતે અમિષે બોલિવૂડ ફિલ્મોમાં ઈતિહાસને મારી-મચેડીને રજૂ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. હિન્દી ફિલ્મોએ ઓડિયન્સને ભ્રમણામાં રાખ્યું છે અને આ બાબતની નોંધ બોલિવૂડે લેવી જોઈએ.

છેલ્લાં કેટલાક વર્ષાે દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મોમાં ઈતિહાસ સાથે ચેડાંની વાત કરતી વખતે અમિષ ત્રિપાઠીએ ખિલજી અને અકબર પર બનેલી ફિલ્મની વાત કરી હતી. વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. જ્યારે ૨૦૦૮માં રિલીઝ થયેલી ‘જોધા અકબર’માં રિતિક રોશન અને ઐશ્વર્યા રાયના લીડ રોલ હતા.

આ બંને ફિલ્મમાં ખિલજી અને અકબરના પાત્રોને અત્યંત પ્રભાવશાળી બતાવાયા હતા. તેમના રોલ માટે બોલિવૂડના લોકપ્રિય ચહેરાઓને પસંદ કરાયા હતા. અકબર અને ખિલજી મધ્ય એશિયામાંથી આવ્યા હતા અને આ બંને એક્ટર્સ કોઈ રીતે તેમના જેવા લાગતા ન હતા.

સાવ અલગ રીતે પાત્રોને રજૂ કરવાનું કૃત્ય ચોક્કસપણે ઈતિહાસ સાથે ચેડાં છે. ફિલ્મમાં પાત્રોને રજૂ કરતી વખતે દેખાવ કે વ્યક્તિત્વમાં ફેરફાર બાબતે કદાચ ફિલ્મમેકર્સને રાહત આપી શકાય. જો કે અમિષની દલીલ છે કે, જે કાળ ખંડને આ ફિલ્મોમાં દર્શાવાયો છે, તે સમયે ભારતમાં ઉર્દૂનું અસ્તિત્વ જ ન હતું. તેમની ભાષા પ્રાચીન સમયની હતી. તેઓ તુર્કીશ અથવા પર્શિયન જેવી ભાષા બોલતા હતા.

આમ, તેમની ભાષાને પણ સાવ ખોટી રીતે દર્શાવાઈ છે. વ્યક્તિત્વ અને ભાષાને જ ખોટા બતાવાયાં હોય ત્યારે સમગ્ર રજૂઆત જ અકલ્પનીય રીતે ગેરમાર્ગે દોરનારી બને છે.

અમિષનું માનવું છે કે, માત્ર મનોરંજન માટે ફિલ્મો બનાવવી હોય તો તેમાં ઐતિહાસિક ઘટનાઓ ન હોવી જોઈએ, જેથી ઓડિયન્સમાં ભ્રમ ઊભો થાય નહીં. ઐતિહાસિક ફિલ્મ બનાવતી વખતે ફિલ્મ મેકર્સની જવાબદારી વધી જાય છે અને તેમણે ખોટો ઈતિહાસ દર્શાવવો જોઈએ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.