ફરહાન અખ્તરની ધીરજ ખૂટીઃ ‘જી લે ઝરા’ નવી કાસ્ટ સાથે બનાવશે

મુંબઈ, ફરહાન અખ્તરે ફીમેલ સ્ટાર્સની રોડ ટ્રિપ દર્શાવતી ‘જી લે ઝરા’ વર્ષ ૨૦૨૧માં જાહેર કરી હતી. આ ફિલ્મના લીડ રોલમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ ફાઈનલ હતા. ફરહાન અખ્તરે વારંવાર ત્રણેય લીડ સ્ટાર્સ પાસેથી એક સરખી ડેટ્સ લેવા મથામણ કરી, પરંતુ સફળતા મળી નહીં. જેના કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હોવાની અટકળો થવા માંડી હતી.
ફરહાન અખ્તરે ચાર વર્ષ બાદ આ મામલે ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, ‘જી લે ઝરા’ લાંબો સમય અટવાયેલી હતી. જો કે શૂટિંગના લોકેશન્સ અને સ્ક્રિપ્ટ નક્કી થઈ ગયા છે અને ફિલ્મ ચોક્કસ બનશે. આ સાથે ફરહાને નવી કાસ્ટ સાથે ફિલ્મ બનાવવાના સંકેત પણ આપ્યા હતા. યુ ટ્યૂબ ચેનલ સાથે વાતચીત દરમિયાન એક્ટર-ડાયરેક્ટર ફરહાને વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, ‘જી લે ઝરા’ બનવાની જ છે.
આ ફિલ્મ પડતી મૂકાઈ તેવું કહેવાનું મને પસંદ નથી. ‘જી લે ઝરા’ વિલંબમાં મૂકાઈ હતી, પરંતુ ફિલ્મ બનવાની છે. ક્યારે તેની શરૂઆત થશે તેની મને ખબર નથી. પરંતુ ખૂબ સારી સ્ક્રિપ્ટ છે અને તેના પર ઘણું બધું કામ થઈ ચૂક્યું છે.
ફિલ્મમાંથી ઓરિજિનલ કાસ્ટને રીપ્લેસ કરાઈ હોવાના સંકેત આપતાં ફરહાને કહ્યું હતું કે, તમામ લોકેશન્સ પસંદ કરી દીધા છે અને મ્યૂઝિક પણ રેકોર્ડ થઈ ગયું છે.
હવે ફરી ક્યારે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની રાહ જોવાની છે. કાસ્ટ વિષે કોઈ વાત કરી શકાય તેમ નથી, પરંતુ ફિલ્મ બનવાનું નક્કી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૨૪માં આલિયા ભટ્ટે ‘જી લે ઝરા’ અંગે વાત કરતા કહ્યું હતું કે, બધી ડેટ્સ ભેગી લેવાનું અઘરું બની ગયું છે.
જો કે બધાની ઈચ્છા છે અને ઈરાદા સારા હોય તો ફિલ્મ બનશે. ફિલ્મને ફ્લોર પર લઈ જવામાં નડી રહેલી સમસ્યા બાબતે આલિયાએ ખુલાસો કર્યાે હતો અને ફરહાન અખ્તરે પણ આ મુશ્કેલીનો સ્વીકાર કર્યાે હતો.
ફરહાને આમિર ખાન સાથે ‘દિલ ચાહતા હૈ’થી ડાયરેક્શનની શરૂઆત કરી હતી. ડાયરેક્ટર તરીકે ડેબ્યુના ૨૦ વર્ષ નિમિત્તે ફરહાને ‘જી લે ઝરા’ એનાઉન્સ કરી હતી.
બે વર્ષ સુધી ફિલ્મમાં ખાસ પ્રગતિ સાધી શકાઈ નહીં. આખરે વર્ષ ૨૦૨૩માં ફરહાને રણવીર સિંહ સાથે ‘ડોન ૩’ એનાઉન્સ કરી. ફરહાન હાલ ‘ડોન ૩’માં બિઝી છે ત્યારે તેનું શૂટિંગ પૂરું થયા પછી ‘જી લે ઝરા’ આગળ વધી શકે છે.SS1MS