Western Times News

Gujarati News

અમદાવાદ  મ્યુનિ. ફાયર વિભાગમાં લાખો રૂપિયાની ઉચાપત મામલે પોલીસ ફરિયાદ કયારે?

પ્રતિકાત્મક

સરકારી નાણાની ઉચાપત કરનાર સબંધિત ફાયરમેન છેલ્લા ત્રણ ચાર મહિનાથી નોકરી પર આવવાનુ બંધ કરી દીધેલ છે.

છેલ્લા બે વર્ષ મા રોજબરોજ કરીને એ સરકારી રકમ માંથી ઉચાપત કરી મસમોટી રકમની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી હકીકત સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફાયર બ્રિગેડ થોડા વર્ષ પૂર્વે એક શિસ્તબદ્ધ ખાતા તરીકે ઓળખાતુ હતુ. શહેર અને તેની આસપાસના વિસ્તારો મા તેમજ અન્ય રાજ્યોમા આગ અકસ્માત ના બનાવો સમયે લોકોના જાનમાલ ના રક્ષણની સફળતાપૂર્વક ની કામગીરી સમગ્ર દેશમા થતી હતી.

ફાયર સર્વિસ મા વફાદારી, નિયમિતતા, શિસ્ત માટે કોઈ તંત્ર કે બહારની કોઈપણ વ્યક્તિ સોયની અણી જેટલી શંકા કરવાની હિમત કરતા ન હતા. જ્યારે અગાઉના પીઠ અનુભવી, ઉચ્ચ વડા અધિકારોની નિવૃત્તી બાદ હવે હાલના ખાતાના વડા અને સીનીયર અધિકારીઓની તેમના સ્ટાફ ઉપરથી પકડ જ રહી નથી ગેરશિસ્ત ભરી વર્તણૂક અને ખાતાકીય ગંભીર ગેરરીતિઓ અવાર-નવાર બનતી હોવાની ઘટનાઓ બને છે.

મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના જ નવ-નવ જેટલા ફાયર ઓફિસરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સી.પી.ડબલ્યૂ. ડી, સીવીલ ડિફેન્સ, નગરપાલિકાઓ જેવા વિભાગો ના સક્ષમ અધિકારીઓની ખોટી બોગસ સહીઓ કરી, બોગસ લેટરપેડ છપાવી, પોતે જે તે વિભાગ મા નોકરી કરે છે

એવા તદ્દન બોગસ સ્પોન્સરશીપના પત્રો, દસ્તાવેજો તૈયાર કરી, છેતરપીંડી આચરીને હોમ મીનીસ્ટ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ ને પણ ગેર માર્ગે દોરી તેમા એડમીશન મેળવી અમદાવાદ ફાયર બ્રિગેડ મા નોકરી મેળવ્યાનુ આવતા તત્કાલીન મ્યુ.કમિશનર ના ધ્યાને આવતા વિજીલન્સ ઇન્ક્વાયરી કરી તપાસ કરતા તેમા તથ્ય જણાતા એ તમામ નવ ફાયર ઓફિસરોને સર્વિસ માંથી ડીસમીસ કરવામા આવેલ હતા.

નામદાર ગુજરાત હાઇકોર્ટે કર્મચારીઓની તરફેણ મા ચુકાદો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ચુકાદાને પડકારતી એક વધુ અરજી ડીવિઝન બેન્ચ સમક્ષ કરી છે.

આ બાબત હજી પુરી નથી થઈ ત્યાં ફાયર બ્રિગેડની વહીવટી બ્રાંચમા રોજબરોજની એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર એન.ઓ.સી, બંદોબસ્ત વિગેરેના ચાર્જની આવતી રકમ જમા લેવા માટે વહીવટી સ્ટાફ ઓછો હોવાના બહાના હેઠળ બિન અધિકૃત રીતે બેસાડેલ એક ફાયરમેનેએ પુરે પુરી રકમ મનપાના નાણા ખાતે જમા કરાવવાને બદલે છેલ્લા બે વર્ષ મા રોજબરોજ કરીને એ સરકારી રકમ માંથી ઉચાપત કરી મસમોટી રકમની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી હકીકત સુત્રો દ્વારા જાણવા મળેલ છે. બિન અધિકૃત રીતે આ રકમનો આંકડો ત્રીસ લાખ થી વધુ હોવાનુ ચર્ચાઈ રહયો છે.

આ આર્થિક ઉચાપતની ચર્ચાની શરૂઆત થતાની સાથે સરકારી નાણાની ઉચાપત કરનાર સબંધિત ફાયરમેન છેલ્લા ત્રણ ચાર મહિનાથી નોકરી પર આવવાનુ બંધ કરી દીધેલ છે. ફાયર બ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અને વર્તમાન ચીફ ફાયર ઓફિસરે પોતાની શાખ બચાવવા મરણીયા પ્રયાસ કરી ભાગેડુ ફાયરમેનના ઘરે તથા તેના મુળ વતનમા અવાર-નવાર તપાસ કરાવ્યા બાદ પણ કોઈ નક્કર પરિણામ નહી આવતા વહીવટી તંત્રને મૌખિક જાણ કર્યા નુ જાણવા મળે છે.

આ સરકારી નાણાની ઉચાપત બાબતે આજદિન સુધી ફાયર બ્રિગેડ કે મનપા દ્વારા કોઈ લેખીત મા કાનુની કાર્યવાહી કે ઉચાપત કરનાર ફાયરમેન સામે કોઇ ફરિયાદ કે અન્ય વહીવટીય કાર્યવાહી નહી કરતા પણ ચર્ચા એ જોર પકડ્યુ છે. નાની નાની બાબતો એ બુમાબુમ કરતો વિપક્ષ પણ આ બધે અજાણ હોવાથી વિપક્ષની સક્ષમતા સામે પણ વિપક્ષની નિષ્ફળતા સાબિત થઈ છે.

ફાયર વિભાગ અને મનપાના સુત્રો ના જણાવ્યા મુજબ આ સરકારી નાણાની ઉચાપત ના જે તે સમયના ચીફ ફાયર ઓફિસર, વહીવટી શાખા મા ફરજ બજાવતા સીનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, ડેપ્યુટી એચ.ઓ.ડી (આસી.મેનેજર ) એ શું ધ્યાન રાખ્યુ એ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

મનપાના સુત્રો ના જણાવ્યા મુજબ એ સમયના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર, વહીવટી શાખા મા ફરજ બજાવતા સીનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, ડેપ્યુટી એચ.ઓ.ડી (આસી.મેનેજર ) ની જાણ બહાર આ સરકારી નાણાની ઉચાપત કરવી શક્ય જણાતી નથી. અને જો આ તમામ વહીવટી હોદ્દાની જાણ બહાર આ કૌભાંડ થયુ હોય તો એ તમામ અધિકારીઓ કોર્પોરેશનની ફરજ પ્રત્યે કેટલા બે જવાબદાર, નિષ્ફળ છે તે સીધુ સાબિત થયાનુ જણાય છે. આ સમગ્ર બાબતે ફાયરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નૂ સુચક મૌન પણ અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યુ છે.

આ કૌભાંડ ને આઠ થી દસ મહિના આ ઉચાપત થયાને થઈ ગયેલ હોવા છતા આજદિન સુધી આ અંગે મનપા દ્વારા પોલીસ ફરિયાદ કરવામા આવેલ નથી. ગોકળગાય ની ગતિએ ચાલતી  ખાતાકીય તપાસ મા શરૂઆત મા 25 થી 30 લાખ ની ઉચાપત થયાનુ જણાતુ હતુ પરંતુ ખાતાના આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ હવે આ ઉચાપત નો આંકડો એક કરોડ કરતા પણ વધારે થયાનો ઘટસ્ફોટ કરવામા આવી રહ્યો છે.

સૂત્રોના સ્પષ્ટ માનવા મુજબ આ જે તે સમયના હેડ ક્લાર્ક,   ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, અને તે સમયના આસી.મેનેજર ડે.એચ.ઓ.ડી ની મીલીભગત અને સંડોવણી વગર આ એકલા હાથે આટલી મસમોટી રકમની ઉચાપત કરવી શક્ય જ નથી. પરંતુ આટલી ગંભીર બાબત હોવા છતા મનપાના કમિશનર હજુ પણ કોના દબાણ હેઠળ કોને બચાવવા માગે છે એ ચર્ચા એ પણ મ્યુનિસિપલ વર્તુળો મા જોર પકડેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.