ગણેશજી ડોક્ટરના સ્વરૂપમાંઃ પ્લાસ્ટીકને લીધે ગાય પર થતી અસરોની કલાકૃતિ

ગોમતીપુર ચોકસીની ચાલી યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશજી ડોક્ટર રૂપે ગાયનું ઓપરેશન
પ્લાસ્ટિકથી થતા નુકસાન સામે જનજાગૃતિ કરતી અનોખી કલાકૃતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગોમતીપુર વિસ્તારમાં આવેલ રખિયાલ રોડ ઉપરની ચોકસીની ચાલી ગેટ નં. 1 પાસે ચોકસીની ચાલી યુવા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ પ્રસંગે એક અનોખી સામાજિક જાગૃતિ લાવતી કલાકૃતિ રજૂ કરવામાં આવી છે.
કલાકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે કે ગાય પ્રતિબંધિત પ્લાસ્ટિક ખાય છે, જેના કારણે ગાયના પેટમાં પ્લાસ્ટિક જવાથી અનેક ગંભીર રોગો ઉત્પન્ન થાય છે. આ સમસ્યાને જીવંત દર્શાવવા માટે ગણેશજીને ડોક્ટર રૂપમાં ગાયનું ઓપરેશન કરતા દર્શાવવામાં આવ્યા છે.
ગણપતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગોમતીપુરના સિનિયર કોર્પોરેટર ઇકબાલ શેખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના આગેવાનો પંકજભાઈ લેવા, રમેશ સનાભાઇ પરમાર, અનિલભાઈ રેવર તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
અને કલાકૃતિ બનાવનાર તમામ યુવાનોને ખૂબ ખૂબ પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્યા હતા દરરોજ આસપાસ વિસ્તારના હજારો ધાર્મિક દર્શનાર્થીઓ આ કલાકૃતિ નિહાળી પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેવા માહોલ માં આયોજકોને વિશ્વાસ છે કે આવા પ્રયોગો દ્વારા આવનારા સમયમાં પ્લાસ્ટિક મુક્ત શહેર તરફ આગળ વધવાની પ્રેરણા સમાજને મળશે.