Western Times News

Gujarati News

અમેરિકાની આ હરકતથી દક્ષિણ અમેરિકાનું વેનેઝુએલા છંછેડાયું

આ સાથે વેનેઝુલાએ સરહદ પર ૧૫૦૦૦ સૈનિકો તહેનાત કરી દીધા છે-અમેરિકાએ ૮ યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું

વોશિંગ્ટન,  દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાએ પોતાની સરહદ પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને દેશભરના યુવાનોને મિલિશિયા એટલે કે સેનામાં સામેલ કરવા માટે ધડાધડ કામગીરી શરૂ કરી દીધી છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોમવારે ચેતવણી આપી કે, જો કેરેબિયન સમુદ્રમાં અમેરિકન સેના અમારા દેશ પર હુમલો કરશે તો અમે પણ વળતો જવાબ આપીશું. વાસ્તવમાં અમેરિકાએ વેનેઝુએલાની નજીક સમુદ્રમાં આઠ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે વેનેઝુએલાએ પણ વળતાજવાબમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે વેનેઝુલાએ સરહદ પર ૧૫૦૦૦ સૈનિકો તહેનાત કરી દીધા છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરાએ દાવો કર્યો છે કે, ‘અમેરિકાએ ૧૨૦૦ મિસાઈલો ભરેલા આઠ યુદ્ધ જહાજો તેમના દેશની સીમા પાસે તહેનાત કર્યા છે, જે સંપૂર્ણપણે અપરાધિક કૃત્ય છે. અમેરિકાની આ કાર્યવાહી અમારા દેશ માટે સૌથી મોટો ખતરો છે. આ સૈન્ય સ્થિતિને જોતાં અમે અમારા દેશના સંરક્ષણ માટે મોટાભાગની તૈયારી કરવાની જાહેરાત કરી છે.’

રિપોર્ટ મુજબ અમેરિકન સેનાના ૨૦૦૦ નેવી જવાનો સહિત ૪૫૦૦ જવાનો તહેનાત કર્યા છે. મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે, જો અમેરિકન યુદ્ધ જહાજો ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો આ સપ્તાહની અંદર બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી શકે છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકાએ ડ્રગ કાર્ટેલ પર નિયંત્રણ મેળવાવ માટે કાર્યવાહી કરી છે અને આ માટે અમે સમુદ્રમાં યુદ્ધ જહાજો તહેનાત કરવાની સાથે હજારો સૈનિકો પણ તહેનાત કરી દીધા છે. તેણે વેનેઝુએલા પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી નથી. જોકે તેમ છતાં વેનેઝુએલા સરકારે કોલંબિયા દરિયાકાંઠે અને સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને યુવાઓને સેનામાં સામેલ કરવાની પૂરજોશમાં પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

બંને દેશો વચ્ચે દાયકાઓથી સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. વાશિંગ્ટન ૨૦૧૯થી જ વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગુએદોને સમર્થન આપી રહ્યું છે અને વર્તમાન રાષ્ટ્રપતિ માદુરોના ચૂંટણી પરિણામોને માન્યતા આપવાનો ઈનકાર કરતું રહ્યું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તે ડ્રગ કાર્ટેલને અંકુશમાં લાવવા માટે દરિયાઈ સુરક્ષા વધારી રહ્યું છે. જોકે માદુરોને લાગે છે કે, અમેરિકા તેની સરકારને ઉથલાવી દેવા માટે હુમલો કરવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.