વિસર્જન કરવા જતાં તળાવમાં ઉતરેલા ત્રણ યુવાનો ડૂબ્યા

પ્રતિકાત્મક
અમદાવાદના ત્રણ યુવાનો સરખેજ શકરી તળાવમાં ડૂબ્યા -પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
અમદાવાદ, અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ, ફાયર વિભાગ દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરાઈ છે. ફાયર અધિકારીઓ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે, બે ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે ૫.૪૫ વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણથી ચાર યુવકો તળાવમાં ડૂબી ગયા હતા. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય યુવકોની શોધખોળ હજુ ચાલી રહી છે.
ઘટનાનું કારણ અસ્પષ્ટ છે, અધિકારીઓએ હજુ સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થયા પછી અને પીડિતોની ઓળખ કરાશે. ત્યારબાદ વધુ વિગતોની પુષ્ટિ કરવામાં આવશે
ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કાલોલના મીરાપુરી ગામે ઉત્સાહભેર ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો ગોમાં નદીમાં ઉતર્યા હતા. ગણેશ વિસર્જન બાદ સ્નાન કરી રહેલા કેટલાક યુવકો પૈકી ચાર યુવકો નદીમાં ડૂબ્યા હતાં. આ દરમિયાના ઘટનાસ્થળે હાજર લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, ગણેશોત્સવની ખુશી વચ્ચે યુવક મોતને ભેટતા ગામમાં શોક માહોલ છવાયો ગયો હતો.