રૂ.૧૦૦૦ કરોડના સોનાની નિકાસ ફ્રોડ કેસમાં સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી

ચેન્નાઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ચેન્નાઈ એરપોર્ટ કાર્ગાે પર સોનાની નિકાસના ફ્રોડ કેસ સંદર્ભે એફઆઈઆર દાખલ કરી છે.
કસ્ટમ્સ અધિકારીઓની મદદથી સોનાના વેપારીઓ દ્વારા સોનાની દાણચોરી કરીને કેન્દ્રને ૨૦૨૦થી ૨૦૨૨ના ગાળામાં વાર્ષિક રૂ. ૧૦૦૦ કરોડથી વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆરમાં ૧૩ આરોપીઓના નામ છે જે પૈકી પાંચ કસ્ટમ્સના અધિકારીઓ છે.
આ ઉપરાંત એક ઘરેણા મૂલ્યાંકનકાર, કસ્ટમ્સ એજન્ટ અને ચાર ગોલ્ડ જ્વેલેરી ઉત્પાદકોના નામ પણ એફઆઈઆરમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ કસ્ટમ્સ સુપ્રીટેન્ડન્ટ્સ જે સુરેશકુમાર, આલોક શુક્લા, પી. તુલસીરામ, જ્વેલરી મૂલ્યાંકનકાર એન સેમ્યુઅલ, કસ્ટમ્સ એજન્ટ મરિયપ્પન અને ઉત્પાદકો દીપક સિરોયા, સંતોષ કોઠારી, સુનિલ પરમાર અને સુનિલ શર્મા આરોપીઓ છે.
આરોપીઓ ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટ ઓથોરાઇઝેશન (ડએફઆઇએ) સ્કીમ હેઠળ ૨૪ કેરેટ સોનાની લગડીઓ આયાત કરતા હતા. આ યોજના અંતર્ગત લગડીમાંથી ૨૨ કેરેટના ઘરેણાં તૈયાર કરીને તેની પુનઃનિકાસ કરી શકાય છે.
આરોપીઓએ કથિત રીતે સોનાનો ઢોળ ચડાવેલા હલકી ગુણવત્તા ધરાવતા બ્રાસ અને કોપરના ઘરેણાની નિકાસ કરીને માર્જિનની રકમ પોતાની પાસે રાખી છેતરપિંડી આચરતા હતા.સેન્ટ્રલ રેવન્યુ ઈન્ટેલિજન્સ (સીઆરઆઇ)એ ગલ્ફ દેશોમાં મોકલવામાં આવતા ઘરેણા અને તેના બિલોમાં વિસંગતતા જણાતા ૨૦૨૨માં સૌપ્રથમ આ કૌભાંડનો પર્દાફાશ કર્યાે હતો.
જાત તપાસ કરાતા નિકાસ કરાઈ રહેલા ઘરેણા સોનાના નહીં પરંતુ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું. ત્યારબાદ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરાઈ હતી. કસ્ટમ્સના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી મેળવવાની હોવાથી કેસમાં વિલંબ થયો હતો.
સીબીઆઈએ આ કેસમા ચેન્નાઈ એરપોર્ટ કસ્ટમ્સ કાર્ગાે ઓફિસ, કસ્ટમ્સ અધિકારીઓના પલ્લાવરમ, અલાન્દુર, નાગાનલ્લુર અને અન્ના નગર સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા.
આ ઉપરાંત ફ્લાવર બઝાર, સોકારપેટ અને કોન્ડિથોપે ખાતે જ્વેલેરી ઉત્પાદકોની દુકાનો અને ઓફિસો પર પણ કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ કાર્ગાે ટર્મનિલ પર સોનાની શુદ્ધતા ચકાસવા માટેના એક્સઆરએફ સ્પેક્ટ્રોમીટરની તપાસ કરી હતી અને જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.SS1MS