Western Times News

Gujarati News

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં

જયપુર, રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે.

૩ સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે.રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે.

દૌસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે, જ્યાં સેંકડો લોકો ફસાયા છે.પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં એક યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ ગયો, જોધપુરમાં એક મકાન ધરાશાયી થયું, પાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.લાલસોટના નાલાવાસ ડેમ તૂટ્યા બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.

ડેમનું પાણી ગામડાં, ખેતરો અને ઘરોમાં ઘૂસી જતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરી છે.છેલ્લા ૨૪ કલાકમાં, રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ દૌસા જિલ્લાના નાંગલ રાજાવાતાનમાં ૫૩ મીમી અને રામગઢ પચવારામાં ૫૦ મીમી થયો છે. આ ઉપરાંત, ભરતપુર, નાગૌર, જયપુર, કરૌલી, અલવર, બારાં અને સવાઈ માધોપુરના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ અને અન્ય ટ્રફ લાઈનને કારણે રાજસ્થાનમાં ૭ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે, જેનાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જા શકે છે.

ભારે વરસાદ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને રાહત-બચાવ ટુકડીઓ એલર્ટ પર છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વીજળી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.