ચાર્જશીટ પછી પોલીસ તપાસ કરી શકે, મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી નથી

અમદાવાદ, ભ્રષ્ટાચારના મામલે હાથ ધરાયેલી તપાસ અને પુરક ચાર્જશિટ રદ કરવા અમદાવાદ પોસ્ટ ઓફિસના કંટ્રોલિંગ ઓફિસરની અરજીને રદ કરતાં હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.જોશીએ કાયદાની સ્પષ્ટતા કરતાં એવું મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે,‘ચાર્જશીટ રજૂ થયા પછી પણ પોલીસ વધુ તપાસ કરી શકે છે અને એના માટે મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી નથી.’
હાઇકોર્ટ સીઆરપીસીની કલમ ૧૭૩(૮) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યા પછી પણ પોલીસને વધુ તપાસ કરવાનો અધિકાર હોવાની બાબત સ્પષ્ટ કરી આપી હતી.
નોટબંધી દરમિયાન ૧.૦૪ કરોડ રૂપિયાના ગેરકાયદેસર ચલણને એક્સચેન્જ કરી આપવાના આરોપ હેઠળ નોંધાયેલી ફરિયાદને રદ કરવા અરજદાર પોસ્ટલ ઓફિસર દ્વારા દાખલ કરાયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (પીસી એક્ટ) હેઠળ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા નોંધાયેલા ફોજદારી ગુનામાં તપાસના બે અલગ અલગ તબક્કાને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યા હતા.
જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસમાં અવલોકન કર્યું હતું કે,‘એ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે પોલીસને કલમ ૧૭૩(૮) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યા પછી પણ વધુ તપાસ કરવાનો અધિકાર છે.
કાયદાકીય રીતે એવું સ્વીકારવામાં આવ્યું છે કે વધુ તપાસ શરૂ કરતા પહેલા, તપાસ એજન્સીએ સંબંધિત મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જરૂરી નથી, કારણ કે વધુ તપાસ એ નવી તપાસથી તદ્દન અલાયદી બાબત છે.
આ કેસની હકીકત એવી છે કે અમદાવાદ હેડ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર, નવરંગપુરા હેડ ઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અને એક અજાણ્યા વ્યક્તિ સહિતના આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમો સાથે વાંચવામાં આવતી કલમો હેઠળ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે નોટબંધી દરમિયાન, પોસ્ટ ઓફિસ દ્વારા પણ જૂની ચલણી નોટોની આપ-લે કરવામાં આવી હતી અને અમદાવાદ સ્થિત પોસ્ટ (વિજિલન્સ) વિભાગ દ્વારા નિરીક્ષણ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે નવરંગપુરા પોસ્ટ ઓફિસ, દ્વારા સરકાર દ્વારા આ મામલે જારી કરાયેલી માર્ગદર્શિકા અને પોસ્ટલ સર્વિસીસ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા પરિપત્રોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.SS1MS