Western Times News

Gujarati News

‘લવ એન્ડ વાર’ ફિલ્મ રિલીઝ પહેલા જ કાયદાકીય વિવાદમાં ફસાઈ

મુંબઈ, જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી વિરુદ્ધ રાજસ્થાનના જોધપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો તેમની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વાર’ સાથે જોડાયેલો છે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.

બીકાનેરમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડી, દુર્વ્યવહાર અને વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યા બાદ ભણસાલી અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. કોર્ટના આદેશ પર બીકાનેરના બીછવાલ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.ફરિયાદી પ્રતીક રાજ માથુરએ આ ફરિયાદ નોંધાવી છે.

તેમણે દાવો કર્યાે છે કે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમને લાઇન પ્રોડ્યુસરની જવાબદારી સોંપ્યા બાદ કોઈ પણ પ્રકારનું મહેનતાણું આપ્યા વગર જ પ્રોજેક્ટમાંથી દૂર કરી દીધા હતા.

પ્રતીક માથુરે ફિલ્મના શૂટિંગ માટે વહીવટી મંજૂરી, સુરક્ષા વ્યવસ્થા, હોટેલ બુકિંગ અને અન્ય તૈયારીઓનું કામ સંભાળ્યું હતું.એફઆઈઆર મુજબ, ૧૭ આૅગસ્ટના રોજ જ્યારે પ્રતીક બીકાનેરની હોટેલ નરેન્દ્ર ભવન પહોંચ્યા, ત્યારે ભણસાલી, ઉત્કર્ષ અને અરવિંદ ગિલ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

તેમણે કોઈપણ પ્રકારનો કરાર (કોન્ટ્રેક્ટ) કરવાનો ઇનકાર કર્યાે અને ધમકી પણ આપી કે પ્રતીકની કંપનીને હવે કોઈ કામ મળશે નહીં. પ્રતીકે પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ ત્યાં તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી, ત્યારબાદ તેમણે કોર્ટનો સંપર્ક કર્યાે.

કોર્ટના આદેશ બાદ, ભણસાલી, અરવિંદ ગિલ અને ઉત્કર્ષ બાલી વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને ગુનાહિત ધમકીના આરોપો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે.

એફઆઈઆરમાં એ પણ ખુલાસો થયો છે કે પ્રતીકની નિમણૂક ઈમેલના આધારે થઈ હતી.સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વાર’ ને એક મહાકાવ્ય ગાથા તરીકે દર્શાવવામાં આવી રહી છે.

આ ફિલ્મમાં રણબીર અને વિકી ભારતીય વાયુસેનાના પાયલટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના કેટલાક દ્રશ્યો રાજસ્થાનમાં શૂટ થઈ રહ્યા છે. આ ફિલ્મ ૨૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ હવે આ કાયદાકીય વિવાદને કારણે તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.