ડીંગુચા પ્રાથમિક શાળાના આ મહિલા શિક્ષકને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે

રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫ (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – ૦૨)
“મારી માતૃભૂમિ એ જ મારી કર્મભૂમિ છે, જ્યાં મને બાળકોને ભણાવવાનું ગૌરવ પ્રાપ્ત થઇ રહ્યું છે :- શિક્ષક જિજ્ઞાસા પ્રજાપતિ
કોરોનાના સમયગાળામાં બાળકોને ભણવવા ૭૭ જેટલા એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત થયા
સૌ બાળકો ભણે, ગણે અને આગળ વધે તે માટે ડીંગુચા પ્રાથમિક શાળામાં વર્ષ-૨૦૦૭થી પ્રાથમિક શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડીંગુચા પ્રાથમિક શાળામાં બાળકોને નવીન પદ્ધતિઓ, ટેક્નોલોજી અને શૈક્ષણિક સાધનો આધારિત શૈક્ષણિક કામગીરી કરાવે છે.
બાળકોનું ભણતર છૂટે નહિ તે દિશામાં કામ કરનારી શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયમાં જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી તેમણે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવા તેમના ઘરે જતા હતા.
કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી બાળકોને જોડવા અને તકનીકી સાધનોની મર્યાદા હોવા છતાં દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત પહોંચવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આ સમયમાં રાજ્યના બાળકોને ભણાવવા સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ, ધોરણ – ૩ જ્ઞાનસેતુ તથા ધોરણ – ૩ થી ૫ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને જોયફુલ સેટર-ડે સહિતના એપિસોડ મળી કુલ ૭૭ જેટલા વિડીયો એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
જિજ્ઞાસા પ્રજાપતિએ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો અને પ્રશ્નસમૂહો તૈયાર કરીને તેમને યોગ્ય દિશામાં અભ્યાસ પણ કરાવે છે.
આ શિક્ષિકાએ ભણાવેલા અનેક બાળકો આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા છે. તેમની શાળાના બાળકોને વર્ષ-૨૦૦૭થી અત્યાર સુધી એટલે કે, છેલ્લા ૧૮ વર્ષથી ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષા સુધી ભાગ લેવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ, બાળકોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાઈને શાળાને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ ગૌરવ અપાવ્યું છે.
આ શાળા દ્વારા લોક ભાગીદારી થકી સમાજ સાથે શિક્ષણનું સંતુલિત જોડાણ પ્રસ્થાપિત કરીને અંદાજિત રૂ.૨૦ લાખથી વધુ મૂલ્યની રોકડ રકમ અને શાળાને ઉપયોગી તેવી વિવિધ વસ્તુઓનું દાન એકત્રિત કરીને સારા શિક્ષણ માટે ઓરડા, પ્રોજેક્ટર જેવી વિવિધ વસ્તુઓ લાવવામાં આવે છે. આ શિક્ષિકા દ્વારા વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નિવારણની મુહિમ ચલાવવામાં આવે છે અને લોકજાગૃતિના કાર્યક્રમ અને નાટકો કરવામાં આવે છે. જેથી ગામમાં નાગરિકો અંધશ્રદ્ધાથી દૂર રહીને પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલે.
આ શિક્ષિકા દ્વારા મોડ્યુલ લેખનને ધ્યાનમાં રાખીને વિદ્યાપ્રવેશ-શિક્ષક આવૃત્તિ, વિદ્યાપ્રવેશ-વિદ્યાર્થી પ્રવૃતિપોથી, વિદ્યાપ્રવેશ-શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલ, પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, ધોરણ ૩ થી ૫ ભાષા, જીવનકૌશલ્ય જેવા વિવિધ વિષયો માટે વિદ્યાર્થી કેન્દ્રિત મોડ્યુલો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૩ થી ૮ સ્વાધ્યાય પોથીમાં સમીક્ષક તરીકે તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી-ગાંધીનગરના સહયોગમાં ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
જિજ્ઞાસા પ્રજાપતિ એક સંવેદનશીલ માર્ગદર્શક તરીકે શિક્ષણ ક્ષેત્રે ભગીરથ પ્રયત્નો કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમનાં આ ઉમદા કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ની ઉજવણી દરમિયાન ગાંધીનગરના પ્રતિભાશાળી શિક્ષિકા જિજ્ઞાસા પ્રજાપતિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.