Western Times News

Gujarati News

108ની જીવનરક્ષક ટીમની હિંમતથી બચી માતા અને નવજાત બાળકની જિંદગી

જ્યાં સંકટ ત્યાં સંજીવની: 108 એમ્બ્યુલન્સની અણમોલ સેવાએ જીવને આપ્યું નવજીવન

અમદાવાદના એક ઘરનું શૌચાલય બન્યું જીવનના અણધારેલા આગમનનું સ્થળ, મહિલાની થઈ આશ્ચર્યજનક પ્રસૂતિ- EMT પિંકીબહેને શૌચાલયમાં જઈને નવજાત શિશુને બહાર કાઢ્યું, પ્રાથમિક સારવાર આપી.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના ઘટી. બપોરે 12 વાગ્યાનો સમય, 108 એમ્બ્યુલન્સ સેવાને એક કૉલ મળ્યો. આ કૉલમાં એક સોસાયટીમાં મહિલાની પ્રસૂતિ માટે ઈમરજન્સી સેવા માટેના સમાચાર હતા.

સાબરમતી 108ના કર્તવ્યનિષ્ઠ સ્ટાફ, જેમાં ઈએમટી સુશ્રી પિંકી ઠાકોર અને પાઈલટ શ્રી વિષ્ણુ રાવળનો સમાવેશ થાય છે, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ઈએમટી પિંકીબહેન 108ની વાનમાં હંમેશાં ઉપલબ્ધ રહેતી ડિલિવરી કિટ સાથે મહિલાની પ્રસૂતિ કરાવવા માટે તૈયાર હતાં, પરંતુ ત્યાં પહોંચતાં જ તેમને અચરજ પમાડે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. દર્દી મહિલાને તો ખ્યાલ પણ નહોતો કે તે ગર્ભવતી છે!

આ પરિસ્થિતિમાં જ્યારે 108ની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે મહિલાની પ્રસૂતિ શૌચાલયમાં જ થઈ ગઈ હતી. બાળક અને માતાની પરિસ્થિતિ તે સમયે ખૂબ જ જટિલ હતી. અચાનક આવી પડેલી કપરી સ્થિતિમાં થયેલી પ્રસૂતિના કારણે મહિલા ખૂબ જ ડઘાયેલી અને ગભરાયેલી હતી. મહિલા પોતે એનિમિયા અને લોહીની કમીથી ગ્રસિત હોવાથી પ્રસૂતિ સમયે તેની હાલત વધારે નાજુક બની ગઈ હતી.

ઘટના સમયે મહિલાનો પરિવાર 108ના પાઇલટને અંદર જવાની અનુમતિ નહોતો આપી રહ્યો, જેથી ઇએમટી પિંકીબહેને પ્રાથમિક સારવારનું સમગ્ર કામ જાતે જ કર્યું. પિંકીબહેને આ કપરા સંજોગોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી અને માતા તેમજ બાળકને એકલા હાથે સંભાળી લીધાં. પિંકીબહેને તુરંત શૌચાલયમાં જઈને નવજાત શિશુને બહાર કાઢ્યું, તેને સાફ કર્યું અને શિશુની ગર્ભનાળ કાપીને તેને પ્રાથમિક સારવાર પણ આપી. દર્દી મહિલાને 2 કિલો 700 ગ્રામ વજન સાથે તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો.

સમયસરની અને સચોટ કામગીરીને કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો. ત્યાર બાદ બંનેને વધુ સારવાર માટે નજીકના સાબરમતી CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યાં હતાં.

અંદાજિત ત્રણ મિનિટના સમયમાં ઘટેલી આ આખી ઘટનામાં જાણવા મળ્યું કે, દર્દી મહિલાને છેલ્લા ત્રણ મહિનાથી માસિક ન આવવાની સમસ્યા હતી અને મહિલાના કહેવા પ્રમાણે તેને લોહીની ગાંઠ હોવાનું સ્થાનિક ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘટનાના દિવસે મહિલાને ડાયરિયા હોવાનો ભ્રમ હતો અને તેથી જ મહિલા શૌચાલયમાં ગઈ હતી જ્યાં આ સમગ્ર ઘટના ઘટી હતી.

108ના સ્ટાફની તત્પરતા અને સમયસૂચકતા બદલ દર્દી અને તેના પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે 108 સેવા ગુજરાતના નાગરિકો માટે કેવી રીતે જીવનરક્ષક સાબિત થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.