ગુજરાતમાં લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમમાંથી બનાવાઈ 17.25 કરોડના ખર્ચે 69 આંગણવાડીઓ

37.48 કરોડના ખર્ચે 233 આંગણવાડીનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ગાંધીનગરથી ભાનુબેનના હસ્તે કરાયું
આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
- પરંપરાગત પદ્ધતિથી રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત
- GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ
- ભૂલકામેળાના વિજેતા બાળકોના કૌશલ્યને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આંગણવાડીમાં ભવિષ્યના નાગરિકો-બાળકોનું સુયોગ્ય રીતે ઘડતર કરવામાં આવે છે. આંગણવાડીમાં અદ્યતન સુવિધાઓ, પોષણયુક્ત આહાર, રમત સાથે બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ થઇ રહ્યા છે. આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આંગણવાડીની બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે. તેમને ધર જેવું જ વાતાવરણ આપવામાં તેમની ભૂમિકા ખૂબ અગત્યની છે. તેમના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે આજે અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતાં થયાં છે. આ બહેનો આંગણવાડીમાં જ પોષણયુક્ત આહાર બનાવીને બાળકોને તેમની માતાની જેમ જ પ્રેમથી જમાડે છે.
મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરે ખુબ જ ટૂંકા સમયગાળામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આગામી સમયમાં પણ આજ ગતિથી આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે તેમ સચિવશ્રીએ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાકક્ષાના ભૂલકામેળામાં ભૂલકાના કૌશલ્યને પ્રોત્સાહન આપતા વિજેતા થનાર બાળકોને મંત્રીશ્રીના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી જે. એસ. પટેલ, આઈ.સી.ડી.એસ કમિશનર શ્રી રણજીતકુમાર, GSPC ના CEO શ્રી ગૌતમ સાર્થક, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ભૂલકામેળામાં સહભાગી થનાર બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.