અમેરિકન ફેડરલ જજે હાર્વર્ડ યુનિવર્સિટીની તરફેણમાં ચુકાદો આપ્યો

વોશિંગટન, અમેરિકન ફેડરલ જજએ હાર્વર્ડ યુનિવર્સિટીની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રમ્પ પ્રશાસન સામે દાખલ કેસમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે સંશોધન માટેના અબજો ડોલરનાં ફંડ સ્થગિત કર્યા હતા.
મેસાચ્યુસેટ્સ જિલ્લા કોર્ટની જજ એલિસન બરોઝે બુધવારે આપેલા ચુકાદામાં લખ્યું કે, “પ્રતિવાદીઓ (યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ)એ એન્ટી-સેમિટિઝમનો બહાનો લઈને દેશની અગ્રણી યુનિવર્સિટીઓ સામે વિચારસરણી આધારિત નિશાન સાધ્યું હતું.”
માહિતી મુજબ, 11 એપ્રિલે ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડને પત્ર મોકલી 10 માંગણીઓ રજૂ કરી હતી, જેમાં કેમ્પસમાંથી એન્ટી-સેમિટિઝમ દૂર કરવાનું, લઘુમતી સમૂહોને ફાયદો આપે એવા ડાયવર્સિટી કાર્યક્રમો રદ કરવા, અમેરિકન મૂલ્યોનો વિરોધી માનવામાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર નિયંત્રણ લાદવા તથા તમામ ડાયવર્સિટી, એક્વિટી એન્ડ ઇન્ક્લુઝન કાર્યક્રમો બંધ કરવાની શરતો સામેલ હતી.
હાર્વર્ડે આ માંગણીઓ નકારી કાઢ્યા બાદ 14 એપ્રિલે ટ્રમ્પ પ્રશાસને યુનિવર્સિટીના 2.2 અબ ડોલરના બહુવર્ષીય ગ્રાન્ટ તથા 60 મિલિયન ડોલરના કોન્ટ્રાક્ટ મૂલ્ય પર રોક લગાવવાની જાહેરાત કરી હતી.
ચુકાદામાં જજે જણાવ્યું કે, પ્રશાસનની આ કાર્યવાહી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ, અમેરિકન બંધારણની પ્રથમ સુધારણા તથા 1964ના સિવિલ રાઈટ્સ એક્ટની કલમ VIનો ભંગ કરે છે.
જજે સ્પષ્ટ કર્યું કે, “એન્ટી-સેમિટિઝમ સામે લડવું જરૂરી છે, પરંતુ તે સાથે જ બોલવાની સ્વતંત્રતા તથા શૈક્ષણિક સ્વતંત્રતા રક્ષણ પણ એટલું જ જરૂરી છે.” તેમણે એ પણ નોંધ્યું કે, “હાર્વર્ડે લાંબા સમય સુધી અસહિષ્ણુ વર્તન સહન કર્યું તે ખોટું હતું, પરંતુ હવે યુનિવર્સિટી યોગ્ય પગલાં ભરી રહી છે અને જરૂર પડે તો વધુ કડક પગલાં ભરવા તૈયાર છે.”
આ ચુકાદા મુજબ કોર્ટએ સમરી જજમેન્ટ આપ્યું છે, એટલે કે ટ્રાયલ વિના જ હાર્વર્ડના પક્ષમાં નિર્ણય આવ્યો છે.
હાલાંકે, વ્હાઈટ હાઉસે આ ચુકાદાને પડકારતા જણાવ્યું કે, “હાર્વર્ડને ટેક્સપેયર્સનાં ડોલર પર બંધારણીય હક નથી અને ભવિષ્યમાં તેને કોઈ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.” વ્હાઈટ હાઉસની પ્રવક્તા લિઝ હ્યુસ્ટને જણાવ્યું કે, “હાર્વર્ડ પોતાના વિદ્યાર્થીઓને હેરાનગતિથી બચાવવામાં નિષ્ફળ રહ્યું અને વર્ષોથી કેમ્પસમાં ભેદભાવ ફેલાવા દીધો.”
શિક્ષણ વિભાગે પણ આ ચુકાદાને “અનુમાનિત” ગણાવીને કહ્યું કે, “તે જ ઓબામા નિમાયેલ જજે, જેણે હાર્વર્ડની જાતિ આધારિત પ્રવેશ પ્રક્રિયાને કાનૂની ગણાવી હતી અને જે બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી, હવે ટ્રમ્પ પ્રશાસનની જવાબદારી નિર્ધારણની કોશિશ સામે ચુકાદો આપ્યો છે.”
વિભાગના પ્રવક્તા માડી બિડરમેન મુજબ, “અમારા દેશની યુનિવર્સિટીઓને શુદ્ધ કરવા લાંબો સમય લાગશે, પરંતુ તે પ્રયત્ન કિંમતવાન છે.”