બંધારણ હેઠળ રાજ્યપાલ પર સમયમર્યાદા લાગુ કરી શકાયઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હી, ધારાસભાએ પસાર કરેલા બિલને મંજૂરીમાં વિલંબ બાબતે રાજ્યપાલ-રાષ્ટ્રપતિની સત્તાને પડકારતા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
એક્ઝિક્યુટિવ્સની સત્તા અમર્યાદ ન હોવાની રજૂઆત કરતાં પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ધારાસભાની પ્રક્રિયામાં દખલ કરવાની સત્તા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે ન હોવાથી નાગરિકોની ઈચ્છા સ્વરૂપે પસાર થયેલા બિલનું ભવિષ્ય રાજ્યપાલ-રાષ્ટ્રપતિના તુક્કા-તરંગો પર નિર્ભર હોઈ શકે નહીં.
ચીફ જસ્ટિસ બી આર ગવઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ સમક્ષ તૃણમૂલ કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારે જણાવ્યુ હતું કે, સાર્વભૌમત્વની સત્તા સામે રાજ્યપાલ સવાલ કરી શકે નહીં. ધારાસભાએ પસાર કરેલા બિલ કાયદાકીય પાસાની ચકાસણી કરવાનું કામ રાજ્યપાલનું નથી, આ કામગીરી ન્યાયતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાએ પસાર કરેલા બિલ પર નિર્ણય લેવા બાબતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પર સમય મર્યાદા લાગુ કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કપિલ સિબલે કહ્યુ હતું કે, લોકોની ઈચ્છાને એક્ઝિક્યુટિવ (રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ)ની ઈચ્છા પર નિર્ભર રાખી શકાય નહીં.પશ્ચિમ બંગાળ સરકાર તરફથી દલીલ કરતાં સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, બંધારણની કલમ ૨૦૦ હેઠલ રાજ્યપાલ પર સમયમર્યાદા લાગુ કરવાની સત્તા કોર્ટ પાસે છે.
આ કલમ હેઠળ ધારાસભાએ પસાર કરેલા કાયદાને મંજૂર કરવા બાબતે રાજ્યપાલને મળેલી સત્તાઓની છણાવટ થઈ છે. જે મુજબ રાજ્યપાલ આવા બિલને મંજૂરી આપી શકે છે અથવા નકારી શકે છે. પુનઃવિચારણા માટે ધારાસભામાં બિલ પરત મોકલી શકે છે અથવા રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલવું પડે છે.SS1MS